કૌભાંડ@ગુજરાત: મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ

રૂપિયા જમા થયા અને ઊપડી પણ ગયા

 
કૌભાંડ@ગુજરાત: મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ભષ્ટ્રાચાર ખુબજ વધી ગયો છે. ફરી એકવાર લાખો રૂપિયાનું  કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફૂદેડા ગામમાં વર્ષ 2019થી 2022 દરમિયાન મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગામમાં 140 જોબકાર્ડ એવા બન્યા હતા કે જેઓ ક્યારે મનરેગાના કામમાં મજૂરી ગયા ન હોવા છતા તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા અને બારોબાર અજાણ્યા વ્યકિત દ્વારા ઉપાડી પણ લેવામાં આવ્યા. ગામના એક જાગૃત યુવકને પોતાના ગામમાં થયેલા મનરેગા હેઠળના કામોમાં ગોલમાલ થયાની શંકા પડ્યા બાદ ઓનલાઈન સાઈટ પર તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ગ્રામજનો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સમક્ષ રજૂઆત કરતા તંત્રએ હવે તપાસ શરૂ કરી છે. જો યોગ્ય તપાસ થાય તો, આ પ્રકારની ગેરરીતિ જિલ્લાના અન્ય ગામોમાં પણ બહાર આવી શકે તેમ છે. શું છે આ સમગ્ર મામલો અને ગેરરીતિ મામલે શું કહી રહ્યા છે ગ્રામજનો તેની આગળ વાત કરીએ.


મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું ફૂદેડા ગામ. વર્ષ 2019થી 2022 દરમિયાન ગામમાં મનરેગા યોજના અંતર્ગત તળાવ સહિતના અલગ અલગ કામો કરવામાં આવ્યા હતા. આ કામો માટે ગામના 140 જેટલા લોકોને જોબકાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા ગામનો જાગૃત યુવક તરૂણ પટેલને જાણ થઈ હતી કે, તેના ગામમાં મનરેગામાં જે કામો થયા હતા તે કામ માણસો દ્વારા નહીં પણ મશીનથી કરવામાં આવ્યા હતા. જેથી તેને મનરેગાની સાઈટ પર જઈને તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મનરેગાની સાઈટ પર ફૂદેડા ગામના જે લોકોના જોબકાર્ડ બન્યા હતા તેઓના ખાતામાં મજૂરીના નાણા પણ જમા થયા હતા. પરંતુ, જે તે, વ્યકિતની મુલાકાત લઈ પૂછપરછ કરી તો તેઓને એક રૂપિયો પણ મળ્યો ન હોવાનું સામે આવ્યું હતું.


ગામના યુવાન તરુણ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનરેગાની ઓફિશિયલ વેબસાઈટ પર નિરીક્ષણ કર્યું અને જોયું કે, મનરેગામાં અમારા ગામમાં 140થી વધુ જોબકાર્ડ બન્યા છે. કામ ચોપડા અને ઓનલાઈન દર્શાવાયું છે અને લોકો એ કામ કર્યું એમ દર્શાવ્યું છે. જોકે હકીકતમાં તો અહીંયા લોકો મારફતે મનરેગા કામ કરાવવામાં જ આવ્યું નથી. લોકોને રોજગારી નથી મળી એમ છતાં તેઓના ખાતામાં પૈસા આવ્યા છે. પણ લોકોના પૈસા બીજા જ કોઈ વ્યક્તિ એ ઉપાડી લીધા છે. જેની લોકોને જાણ પણ નથી થઈ ગુજરાતમાં આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. લોકોએ કામ નથી કર્યું એમ છતાં ઓનલાઈન અને ઓફલાઇન હાજરી પુરી દેવામાં આવી હતી. છે.


ફૂદેડા ગામના ચૌહાણ ફુલાજી સોમાજીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગામમાં લોકો આ મામલે વાતો કરતા હતા કે બધાના પૈસા ઉપડી ગયા તો અમે તપાસ કરાવી તો અમારા પણ ઉપડી ગયા હતા. મનરેગમાં અમારા બધાના નામો હતા તપાસ કરતા અમારા નામ હોવાનું જાણવા મળ્યું કે અમારા ખાતામાંથી 70 થી 75 હજાર રૂપિયા ઉપડી ગયા છે. અમે એક પણ દિવસ કામ કરવા નથી ગયા કે કોઈ એ કામ કરવા બોલાવ્યા પણ નથી અમને એમ કહેવામાં આવ્યું કે તમારા ગામમાં રોડ નેળિયાના કામ કરવાના છે. જેથી તમે ખાતા ખોલાવો એમ કહી અમને ગાડી મારફતે 10 લોકોએ લાડોલમાં આવેલ બેન્કમાં લઇ ગયા બેન્ક બહાર અમારા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવી અમારી સહી કરાવી લીધી હતી. બાદમાં ઘરે મોકલી દીધા અમને એક રૂપિયો મળ્યો નથી.


ફૂદેડા ગામના ચૌહાણ કાળાજીએ જણાવ્યું કે, અમારું જોબ કાર્ડ બન્યું એ અમને ખબર જ નથી, પણ પૈસા ખાતા માંથી ઉપડી ગયા છે. બેન્કમાં જોવડાવ્યા બાદમાં અમને જાણ થઈ અમને કોઈ કામ મળ્યું જ નથી કે ના ક્યાંય કામ કરવા લઈ ગયા. અમને એ સમયે કહ્યું કે ગામમાં નેળિયા, રોડ અને ગામનું સારું કરવાનું છે એમ કહી લઈ ગયા હતા. બાદમાં અમારા આધાર કાર્ડ અને સહીઓ લઈ બેંકમાં ખાતા ખોલાયા બાદ અમને ATM જ આપ્યા નથી અમારા ખાતામાંથી કામ નથી કર્યું છતાં 75 હજાર જમા થયા એ કોઈએ ઉપાડી લીધા છે.


ગામમાં રહેતા ગંગાબેનના પતિ રજુજીએ ભાસ્કરને જણાવ્યું હતું કે,નેળિયા અને રોડ બનાવવાના છે એમ કહી મારા પત્નીના ડોક્યુમેન્ટ લઈ ગયા હતા.અમે એક રૂપિયો ભર્યો નથી. અમને બધાને લાડોલ લઈ ગયા હતા. જ્યાં અંગૂઠા લઈ અમને કાઢી મુક્યા હતા. અમને ATM કે બેન્કની કોઈ વસ્તુ જ આપવામાં આવી નથી.


ફૂદેડા ગામના લોકો જે રીતે જણાવી રહ્યા છે તેના મુજબ ગામમાં વિકાસ કામ કરવાનું હોવાનું કહી તેઓના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. પરંતુ, ખાતા ખોલાવ્યા બાદ તેઓને એટીએમ, કે પાસબુક આપવામાં જ આવી ન હતી. ગામલોકોની જે રીતે રજૂઆત છે કે, તે જોતા તો આ સમગ્ર મામલામાં એકથી વધુ વ્યકિતઓ સંકળાયા હોવાની પૂરી શક્યતા છે.


ફુદેડાં ગામના વર્તમાન તલાટી મૌલિકભાઈ દરજીએ જણાવ્યું હતું કે,ગામમાં છેલ્લા દોઢ વર્ષથી મનરેગાના કામ બંધ છે. હાલમાં કોઈ કામની જરૂર નથી. તેમજ વધુમાં જણાવ્યું કે મનરેગા કામ ગામમાં લાવવા માટે ગ્રામ સભા કરવામાં આવે જેમાં ગામના લોકોની માગના આધારે ગામ ઠરાવ કરે ત્યારબાદ મંજૂરી માટે તાલુકામાં મોકલવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી મનરેગની કામગીરીની મંજૂરી મળતી હોય છે.


મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ ચાવડાએ જણાવ્યું કે, વિજાપુર તાલુકામાં આવેલા ફુદેડા ગામમાં મનરેગાના કામમાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે. જેથી જિલ્લાકક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમ બનાવી ટીમ મારફતે અમે તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે જવાબદરો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું. તેમજ જિલ્લાના અન્ય ગામોમાંથી આવી કોઈ ફરિયાદ મળશે તો આવી જ રીતે તપાસ કરાવીશું. વધુમાં જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં 26 મેં 2024 ના રોજ લોકપાલની મુદત પૂર્ણ થતાં આની તપાસ વહીવટી તંત્ર ટેક્નિકલ એન્જિનિયરીગ ની ટીમ મારફતે કરાવવામાં આવશે. આમ તો આની તપાસ લોકપાલ મારફતે કરવામાં આવતી હોય છે.