કૌભાંડ@ગુજરાત: STની ટિકિટ ચોરીનું કૌભાંડ, અત્યારસુધીમાં 1.29 લાખ ટિકિટ ગુમ
150 મશીન ઊપડી ગયાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં અને ગુજરાત બહાર ST બસ લઇને ગયેલા કંડક્ટરો પાસેથી આવા મશીન ચોરાયા હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું. માત્ર કડંક્ટર પાસેથી ટિકિટની રકમ વસૂલી લેવાય છે અને પોલીસ વિભાગમાંથી એવો દાખલો મેળવી લેવાય છે કે મશીન મળતાં નથી. બસ આ બે કામ કરીને સમગ્ર પ્રકરણ પૂરૂં કરી દેવામાં આવે છે.
સૌથી પહેલાં એ જાણી લો કે STનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે.1999માં ભાવનગરમાં એક કંડક્ટર પાસેથી ટિકિટ મશીન ચોરાયું હતું ત્યારથી આજ સુધીમાં એટલે કે 25 વર્ષોથી આ સિલસિલો ચાલુ જ છે. અત્યારસુધીમાં આ પ્રકારની ચોરીના 150 બનાવો બન્યા હતા. જેમાં 1,29,262 ટિકિટો ચોરાઇ હતી. જેની કુલ કિંમત 17,51,634 રૂપિયા થાય છે.
જેટલા મશીન ચોરાયા તેમાં જેટલી ટિકિટ બાકી રહી હોય તેની કિંમત કંડક્ટર પાસેથી વસૂલી લેવાય છે. આમ મશીન ચોરાવાથી એસટીને કોઇ નુકસાન નથી થતું પરંતુ કંડક્ટરે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે.
ખંભાતના રહીશ અને ST નિગમના નિવૃત્ત ડ્રાઇવર ઘનશ્યામસિંહ ચૂડાસમાએ આવી ઘટનાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. તેમણે અત્યારસુધીના તમામ મુખ્યમંત્રીઓને રજૂઆત કરી છે. હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી. ST નિગમ અને પોલીસને કાર્યવાહી કરવા માટે પત્રો પણ લખ્યા છે પરંતુ કોઇ નક્કર પગલાં લેવાયા નથી. આવા બનાવો બનવાનું ચાલુ જ છે. જેના કારણે આ આખુંય કૌભાંડ ચાલતું હોય તેવી ગંધ આવી રહી છે. આ કૌભાંડ છે કે નહીં તે તો પોલીસ વિભાગ અથવા ST નિગમની સલામતી શાખા ઊંડાણપૂર્વક તપાસ કરે તો જ સામે આવે તેમ છે.
STના નિવૃત્ત ડ્રાઇવર ઘનશ્યામસિંહ ચૂડાસમાએ વર્ષો પહેલાં શરૂ કરેલી લડત આજે પણ ચાલુ છે. કોઇપણ ડેપોની બસના કંડક્ટરનું મશીન ચોરાયાની જાણ થાય કે ઘનશ્યાસિંહ તરત જ તે ડેપોના મેનેજરને RTI કરે છે અને વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે. જેમાં અમુક ડેપો તરફથી તેમને વિગતો મળે છે. જ્યારે અમુક સ્થળેથી કંડક્ટર પાસેથી ટિકિટની રકમ વસૂલી લેવાઇ હોવાનો જવાબ મળે છે. જ્યારે કેટલાક ડેપો તરફથી તો જવાબ જ નથી અપાતો.
આ આખું રેકેટ કેવી રીતે ચાલે છે તેની વિશે તેમણે ST નિગમને નિવેદન આપવાની તૈયારી પણ બતાવી છે પરંતુ નવાઇ પમાડે તેવી વાત તો એ છે કે હજુ સુધી તેમનું નિવેદન લેવામાં નથી આવ્યું.
આ લડત બદલ ઘનશ્યામસિંહને ધમકી મળતી હતી અને અરજી પાછી ખેંચી લેવા દબાણ થતું હતું. જેથી તેમણે મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયમાં રજૂઆત કરી હતી. જેના પગલે મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયે આણંદના એસપી સહિત અન્ય સત્તાધીશોને યોગ્ય કાર્યવાહી કરવા, ઘનશ્યામસિંહને રક્ષણ આપવા અને તેનો રિપોર્ટ આપવા માટે આદેશ આપ્યો હતો. ઘનશ્યામસિંહે આવી જ અરજી રાજ્યના ગૃહ વિભાગ સમક્ષ 8 ઓગસ્ટ, 2022ના રોજ પણ કરી હતી. છતાં તેમને કોઇ રક્ષણ પૂરું પડાયું નથી.
આ બધી બાબતો વિશે ઊંડાણપૂર્વક જાણવા માટે દિવ્ય ભાસ્કરે ઘનશ્યામસિંહનો સંપર્ક કર્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હું ધુંવારણ-ભાવનગર બસ લઇને ભાવનગર ગયો હતો. જ્યાં કડંક્ટર કનુભાઇ નાથાભાઇ સોંલકી ઊભા હતા. તેઓ મને ઓળખતા હતા. તેમણે મને કહ્યું કે મારી ટિકિટ ટ્રે ચોરાઇ ગઇ છે એટલે મેં કહ્યું કે આની પાછળ સ્ટાફવાળા અને જાણભેદુ સિવાય બીજું કોઇ ન હોઇ શકે. તેમણે કહ્યું મેં અરજી કરી છે. જેના પછી મેં જણાવ્યું કે, તમે ડીએસપીને રૂબરૂ મળો. તમારે તેને પુરાવા આપવા પડે. પુરાવા આપ્યા પછી પોલીસ કાર્યવાહી કરે.
તેઓ કહે છે કે, આ સમયે વોચમેન સહિતના લોકો મને કનુભાઇ સાથે ઊભેલો જોઇ ગયા હતા. તેમણે મારી સામે ફરિયાદ કરી. કનુભાઇએ મને કહેલી વાત વિશે જાણ કરવા હું અમારા ડેપો મેનેજર દેવમુરારી પાસે ગયો તો તેમણે કહ્યું અમારે કંઇ ન સાંભળવાનું હોય. મેં કહ્યું કનુભાઇ મને ફરિયાદ કરે છે તો તપાસ કરો. તેમણે કોઇ તપાસ જ ન કરી. ઉલ્ટાનું તેમણે ઉપર રહીને મારી સામે ફરિયાદો કરાવડાવી. મેં કનુભાઇને રસ્તો બતાવ્યો હતો એટલે મારી સામે ફરિયાદો કરાવવા લાગ્યા હતા. તેમણે તપાસ કરવી નહોતી. આ બનાવ 5 એપ્રિલ, 1999એ બન્યો હતો. અમે ડીએસપીને રૂબરૂ મળ્યા હતા. તેમણે કહ્યું કે તમે ઝીરો નંબરથી ફરિયાદ મોકલો એટલે હું તપાસ કરાવડાવું છું.
આના પછી શું થયું તે વિશે તેમણે કહ્યું કે, કનુભાઇએ પોલીસને ફરિયાદ ન મોકલી. દરમિયાનમાં એસ.ટી.ના બધાં અધિકારીઓએ ભેગાં મળીને કનુભાઇની બદલી કરી નાખી. જેના પછી કનુભાઇએ આગળ કોઇ કાર્યવાહી જ ન કરી. મેં કનુભાઇને મદદ કરી. અમદાવાદ સહિત 2-3 અધિકારીઓ પાસે લઇ ગયો હતો એટલે મારી ઇન્ટર ડિવીઝન બદલી કરી નાખી. આ અંગે મેં સારા અધિકારીઓને જાણ કરી એટલે મારી બદલીનો ઓર્ડર કેન્સલ કરાવ્યો અને મને ખંભાતથી પેટલાદ મુક્યો હતો. આના પછી હું કનુભાઇને કેટલીયવાર મળવા ગયો હતો અને કહ્યું હતું કે ડેપો મેનેજરને નિવેદન લખાવી દો એટલે નિકાલ લાવી દે પણ કનુભાઇએ મને કહ્યું કે મેં 30 ઓક્ટોબર, 2002ના રોજ અરજી કરી છે. આ અરજી પણ તેમણે મને બતાવી હતી. કનુભાઇએ ત્રણ નામ આપ્યા હતા.
તેમણે જણાવ્યું કે, કનુભાઇની 16,235 રૂપિયાની ટિકિટ ટ્રેની ચોરી થયેલી છે તે અંગે મુખ્યમંત્રી ઓફિસમાંથી ST નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને તપાસ કરવાનો હુકમ કરાયો હતો. જે પત્ર કનુભાઇએ મને આપ્યો હતો અને કહ્યું હતું કે બધાને બતાવજો. આ પત્ર મેં બધાને બતાવ્યો તો બધા મારી પાછળ પડી ગયા હતા અને મારા પર ખોટા આક્ષેપો લગાવાયા હતા.
ટિકિટ મશીન ચોરી અંગે તેમણે કહ્યું કે, કનુભાઇની ટિકિટ ટ્રે ચોરાઇ ત્યારથી હું આ ઝુંબેશમાં જોડાયો હતો. આના પછી વાસદ ડેપોના કડંકટરની ટિકિટ ટ્રે ચોરાઇ. કડંકટરના ઘરની તિજોરીમાંથી ટ્રે પકડાઇ હતી. ડેપોવાળાએ રિપોર્ટ પણ ન કર્યો અને પોલીસ કેસ પણ ન કર્યો. જ્યારે મેં તેમને કહ્યું કે શા માટે પોલીસ ફરિયાદ ન કરી તો મને કહ્યું કે આ બધું તમારે નથી જોવાનું. આના પછી વલસાડ ડિવીઝનમાં પણ ટિકિટ ટ્રેની ચોરી થવા માંડી હતી. વાપી ડેપોના એક કડંક્ટરની ટિકિટ ટ્રે ચોરાઇ એટલે મેં બધાં અધિકારીઓને કહ્યું કે, ચોરીના બનાવો બને જ છે. કનુભાઇએ જે લોકોના નામ આપ્યા હતા તેની તપાસ કરાવો. વલસાડમાં આવા 15થી 20 બનાવો બન્યા. વલસાડના અધિકારીઓએ તે કેસ જ બંધ કરી દીધા. કોઇ તપાસ જ ન કરી પછી તો બિલીમોરામાં આવી ઘટના બની હતી. ખંભાળિયામાં તખ્તસિંહ ઝાલાની ટિકિટ ટ્રે પણ ચોરાઇ હતી. મને ખબર પડી એટલે મેં તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે જૂનાગઢ ડેપોમાંથી ચોરાઇ છે. મેં કહ્યું જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરો, તેમાં મારું નામ લખાવજો હું બધું બતાવીશ.
ટિકિટ ચોરીનો શું ઉપયોગ થાય છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, અધિકારીઓ મળેલાં હોય તો બધો ઉપયોગ થાય. મેં બે ત્રણ વાર ટિકિટ લેનારાઓને જોયા હતા. આ અંગે અધિકારીઓને જાણ પણ કરી હતી. તો મને કહે કે અમારે શું કામ તપાસ કરવાની. જો ફરીવાર ટિકિટનો ઉપયોગ ન થતો હોય તો આટલી બધી ટિકિટો કેમ ચોરાય? આજ સુધી આ કૌંભાડમાં કોઇ પકડાયું નથી. ઉપલા અધિકારી પર જવાબદારી ન આવે એટલે આવી ચોરી ચોપડે નોંધાતી જ નથી. ટિકિટ ચોરાય તેની રકમ કડંકટર પાસેથી વસૂલ કરી લે છે. આમાં અધિકારીઓ મળેલાં હોવાથી પોલીસને જાણ કરાતી નથી.
ઘનશ્યામસિંહ ઉમેરે છે કે, નડિયાદ ST વિભાગના સુરક્ષા અધિકારી આર.બી.વ્યાસ મારો જવાબ લેવા આવ્યા હતા. મેં તેમને બધા પુરાવા આપ્યા હતા. આ ઘટનાના 4-5 દિવસ થયા એટલે વડોદરાથી કોઇએ પોલીસને ફોન કર્યો હતો કે હું જે બસ લઇને આવું છું તેમાં દારૂ છે. જેના પછી ભરૂચ પોલીસની બે ગાડીઓ આવી અને બસ ચેક કરી હતી પણ તેમને કંઇ મળ્યું નહોતું. કડંક્ટરે એક પાર્સલ લીધેલું અને મારી કેબિનમાં મૂકી દીધું હતું. મેં કડંક્ટરને કહ્યું કે તું અહીંથી પાર્સલ લઇ લે તો તેણે કહ્યું ભલે પડ્યું મેં લગેજનું ભાડું લીધું છે તો તમને શું વાંધો છે. મેં પોલીસને આ વિશે કહ્યું હતું એટલે પોલીસને પણ લાગ્યું કે આમાં મારો કોઇ વાંક નથી. ખંભાતથી સેલવાસ જતી બસમાં દારુ ન હોય પણ સેલવાસથી ખંભાત આવતી બસમાં દારુ હોય.
તેમણે કહ્યું કે વર્ષ 2000થી મેં આ ઝુંબેશની શરૂઆત કરી હતી. મેં બધાં જ અધિકારીઓને ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી ઓફિસમાં 3 ઓક્ટોબર, 2008થી ફરિયાદ કરી રહ્યો છું. જે હજુ ચાલુ જ છે. અધિકારીઓએ મારું નિવેદન તથા મારી પાસેથી પુરાવા લેવા જોઇએ. બધાં ડેપોમાં તપાસ કરવી પડે. તમામ બનાવોની FIRની નકલ ભેગી કરવી પડે પણ એસ.ટી.ના અધિકારીઓ કોઇ જવાબ જ નથી આપતાં. હું હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટે 6 મહિનામાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ અધિકારીઓ કનુભાઇનું ફરી નિવેદન લેવા જ નથી ગયા. હવે મારે ફરીવાર હાઇકોર્ટમાં જવું જ પડશે ને?
તેમણે વધુમાં કહ્યું કે મેં ક્યાં આમાં કોઇ ગુનો કર્યો છે. કનુભાઇએ જે નામ આપ્યા છે તેના વિશે તપાસ કરવા માટે જ હું કહુ છું. જુદા-જુદા વિભાગમાં તમે શા માટે જાણ કરી તેવું કહીને મને 2 વખત 1-1 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.
નિવૃત્ત થઇ ગયા છતાં લડત ચલાવો છો તો ક્યાં સુધી લડત ચલાવશો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મારી લડત સાચી છે, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લડત ચલાવીશ. આ લડત ચલાવવા બદલ મેં અત્યારસુધીમાં 1 લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા હશે. જે કડંક્ટરોની ટિકિટ ટ્રે ચોરાઇ છે અને તેમની પાસેથી દંડની જે રકમ લેવાઇ છે તે રિકવર કરીને તેમને મુખ્યમંત્રીના હસ્તે ચેક મારફતે પરત આપવામાં આવે. મને જે દંડ કરવામાં આવ્યો છે તે પણ પાછો આપવામાં આવે. મેં ઘણાં કડંક્ટરોને મારી સાથે ઝુંબેશમાં જોડાવા માટે કહ્યું પણ તેઓ કહે છે કે જો અમે ફરિયાદ કરીશું તો અમને એસ.ટી.માં નોકરી જ નહીં કરવા દે.
ઘનશ્યામસિંહે ST નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકની ઓફિસમાં 12 ડિસેમ્બર, 2022ના રોજ રૂબરૂ હાજર થઇને તમામ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તેની સાથે એક પત્ર પણ લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે અમે તમને 2016થી લઇને 2017 સુધીમાં 9 વખત રજૂઆત કરી છે.
તેઓ કહે છે કે, મને એસ.ટી.નિગમના કોઇ અધિકારી સાંભળતાં જ નથી. તેઓ તો એવું કહે છે કે ટિકિટ ટ્રેની ચોરીના બનાવો બન્યા જ નથી. તેમને તપાસ કરવી નથી એટલે એવું કહે છે. મારી પાસે FIR છે, પોલીસના દાખલા છે, કડંક્ટરોના નિવેદનો છે. બધી નકલો મારી પાસે પડી છે. એસ.ટી.ના અધિકારીઓ જાણ કરે તો જ પોલીસ તપાસ કરે છે.
6 સપ્ટેમ્બર, 2012ના રોજ ગોધરા વિભાગના કંડક્ટર કે.એન.સોલંકી (હાલ નિવૃત્ત)ની ટિકિટ ટ્રે ચોરાઇ હતી. આ અંગે ઘનશ્યામસિંહે તે સમયે વિપક્ષના નેતાને સીધી ફરિયાદ કરી હતી. જેના કારણે વિભાગીય પરિવહન અધિકારીએ તેમને 6 જુલાઇ, 2013ના દિવસે 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ અંગે ST નિગમનો પક્ષ જાણવા GSRTCના ઇન્ચાર્જ એમ.ડી. અને વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે તપાસ કરીશું.