બેફામ@પાટણ: ચોરીની સનસનીખેજ ઘટના, ગોડાઉનમાં પડેલી એરંડાની 984 બોરીઓ ઉઠાવી લીધી, 42 લાખનું નુકશાન
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ તાલુકાના કુણઘેર પાસે આવેલા ખાનગી ગોડાઉનમાં ચોમાસું સિઝનની સૌથી મોટી અને ચોંકાવનારી ચોરીની ઘટના બની છે. ચોરોએ જાણે અગાઉથી બાતમી મેળવી હોય અથવા તો કોઈએ ટીપ આપી હોય તેમ ગણતરીના સમયમાં સરેરાશ એક હજાર બોરી ઉઠાવી છૂમંતર થઈ ગયા હતા. ચોરોએ છાનાછૂપા પ્રવેશ કરીને એરંડાની આશરે 984 બોરી ઉઠાવી ગયા તે ખૂબ જ ચોકાવનારી ઘટના છે. વેપારીને સરેરાશ રૂ. 42 લાખથી વધુનું નુકશાન થતાં સમગ્ર વેપારી આલમમાં ચકચાર મચી ગઇ છે. વેપારીએ સ્થળ તપાસ કરાવી તાત્કાલિક અસરથી પાટણ તાલુકા પોલીસ મથકે ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.
રાહુલ મૂળચંદભાઈ શાહ નામનાં વેપારીએ પાટણ તાલુકા પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ,વિશાલ ટ્રેડર્સ નામની પેઢી સરદાર ગંજ, પાટણ ખાતે આવેલી તેમાં સંયુક્ત રીતે હું તથા મારા ભાઇઓ સંચાલન કરીએ છીએ. વિશાલ ટ્રેડર્સ નામની પેઢી માટે ખેત પેદાશનો માલ ભરવા કુણઘેર મુકામે આવેલ મલ્હાર ગોડાઉનમાં 17 તથા 18 નંબરની દુકાનો રાખેલી છે. જેમાં તા.15/05/2023ના દિવસે સાંજે ચારેક વાગ્યાના અરસામાં અમારા પેઢીના મેનેજર પ્રહલાદભાઇ ઇશ્વરભાઇ પટેલ મલ્હાર ગોડાઉનમાં આવેલ દુકાન નં. 18 માં એરંડાની બોરીઓ ઉતારવા ગયા ત્યારે જે સ્ટોક ગણ્યો હતો તેમાં કુલ 2168 એરંડાની બોરીઓ હતી. જે એક બોરીમાં આશરે 75 કિલો એરંડા આવે છે. આ સમય પછી મલ્હાર ગોડાઉનમાં આવેલ દુકાન ઉપર અમો કે અમારા પેઢીના મેનેજર ગયા નથી. આ પછી અમારા મેનેજર પ્રહલાદ ભાઇ ઇશ્વરભાઇ પટેલે રાહુલ ભાઈને ફોન કરી જણાવેલ કે કુણઘેર મુકામે આવેલ મલ્હાર ગોડાઉનમાં દુકાન નંબર 18 માં એરંડા ભરેલ બોરીઓની ચોરી થયેલ છે.
વેપારીની આગળની હકીકતમાં જણાવ્યું છે કે, ચોરીની ઘટના જાણી રાહુલભાઈ તથા મારા કુટુંબી ભાઇ પરાગભાઇ, કિર્તિકુમા૨ શાહ તથા વિશાલકુમાર કિર્તીકુમાર શાહ સહિતના વિસનગર ઘરેથી નીકળી કુણઘેર મલ્હાર ગોડાઉન ઉપર ગયા હતા. ત્યાં જઇને જોયું તો દુકાન નં 18 ના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને નીચે બે તાળા પડેલ હતા. આ દરમ્યાન અંદર જઇને એરંડાની બોરીઓ ગણતાં 1034 બોરીઓ પડી હતી અને બીજો એરંડાનો છુટક માલ પડ્યો હતો. જેથી અંદાજીત 984 એરંડાની બોરીઓ ઓછી જણાતાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, 2હજાર બોરીથી વધુનો માલ છતાં તસ્કરો સરેરાશ હજાર બોરી ઉઠાવી ગયા એ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. તસ્કરોએ કેવા સમયે એરંડાની બોરી ઉઠાવી અને કેટલા તસ્કરો હતા ? આ તમામ સવાલો તપાસનો વિષય છે. ઘટનાને પગલે વેપારીએ મલ્હાર ગોડાઉનની દુકાન નં.18 માં રાખેલ એરંડાની 984 બોરીઓ જેનો 20 કિલોનો ભાવ રૂ.1150 ગણી કુલ રૂ.42,43,500ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી હોવાની ફરીયાદ આપી છે. આથી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.