કાર્યવાહી@ગુજરાત: યુનિવર્સિટીના ઉત્તરવહી ચોરી કેસમાં બે વિદ્યાર્થી નેતાના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરવહી ચોરી કેસમાં બે વિદ્યાર્થી નેતાના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં સીલબંધ પેટીમાં રાખવામાં આવેલી ઉત્તરવહીઓ ચોરી જે તે વિદ્યાર્થીઓને લખાણ લખાવી ફરી પાછી ઉત્તરવહીઓ સ્ટ્રોગરૂમમાં મૂકી દઇ વિદ્યાર્થી દીઠ રૂ.૫૦ વસૂલી BSc નર્સિંગમાં પાસ કરાવવાના ચકચારભર્યા ઉત્તરવહી કૌભાંડમાં તપાસ જારી છે, મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ જોખમમાં મૂકાય તેવો આ ગુનો છે ત્યારે જામીન પર મુક્ત કરી શકાય નહીં.
ગુજરાત યુનવર્સિટીના ચકચારભર્યા ઉત્તરવહી કૌભાંડમાં ABVPના બંને આગેવાનો સન્ની મુકેશકમાર ચૌધરી અને અમિતસિંહ સુરેશસિંહ રાજપૂતે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અમે નિર્દોષ છીએ, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન આપવા જોઇએ. જોકે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીએ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા છે અને તેના અધિકારી દ્વારા FIR નોંધાવાયેલી છે.
પરીક્ષાના પેપર્સ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવતા હતા અને તેની ચકાસણી થતી હતી ત્યારે તેમાંથી અમુક ઉત્તરવહીઓ ચોરાયેલી હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસમાં ખુદ યુનિવર્સિટીના પાર્ટટાઇમ પટાવાળા સંજયનું નામ ખૂલતાં તેની ધરપકડ કરાઇ હતી. CCTV ફૂટેજ પરથી પણ સ્પષ્ટ થાય છે કે, અરજદાર આરોપીઓએ ગુનાઈત કાવતરૂ રચી અલગ અલગ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેઓને BSc નર્સિંગમાં પાસ કરાવી દેવા પરીક્ષા આપતાં પહેલા વિદ્યાર્થી દીઠ રૂ.૫૦ હજાર પડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ વિદ્યાર્થીઓએ તેમના પેપર કોરા રાખવા અને તેમાં રોમન સેક્શન-૧ અને ૨ની નિશાની કરવા તેમ જ છેલ્લે રફ કામ લખી બે લીટી કરવાની સૂચના સાથે પેપર મૂકી દેવા જણાવાયું હતું.
એ પછી આરોપીએ કાવતરૂ રચી તેમના માણસો દ્વારા સ્ટ્રોંગ રૂમમાંથી આવા પેપર્સ મેળવી લઇ આવી ઉત્તરવહીઓમાં જે તે વિદ્યાર્થીઓ પાસેથી લખાણ પૂર્ણ કરાવી ફરી પાછી ઉત્તરવહીઓ સ્ટ્રોંગરૂમમાં મૂકાવી દીધી હતી. એટલું જ નહીં, ફિઝિયોથેરાપીની પરીક્ષાના પેપરમાં પણ આ જ પ્રકારની નિશાનીવાળા વિદ્યાર્થીઓની ઉત્તરવહી પટાવાળા સંજય પાસેથી મળી આવી હતી. સ્ટ્રોંગરૂમના તેમ જ અન્ય જગ્યાના CCTV ફૂટેજમાં પણ અરજદારોની હાજરી મળી આવી છે. એટલું જ નહીં, આવા બનાવોથી શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠાની સાથે સાથે મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ જોખમમાં મૂકાય તેવો આ ગુનો છે.
સરકાર દ્વારા જે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેમાં આવા ગુનાની દસથી ૧૪ વર્ષ સુધીની કેદની આકરી સજાની જોગવાઇ કરાઇ છે ત્યારે ગુનાની ગંભીરતા જોતાં કૌભાંડના મૂળ અને સત્ય સુધી પહોંચવા આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જરૂરી જણાય છે, તેથી આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.