ચકચાર@અમરેલી: ઘરકંકાસમાં પરિવારનો કરુણ અંત: એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી જિલ્લાના બાબરામાં ઘરકંકાસની કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. આ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનાં મોત થયા છે.
બાબરાના ખોજા શેરી વિસ્તારમાં આવેલા મકાનમાંથી 42 વર્ષીય શારદાબેન ગોહેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બીજી તરફ, તેમના પતિ વિનોદભાઈ ગોહેલ અને પુત્ર રોહન ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પોતાના મૂળ ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ તકરારે જ આ કરુણ ઘટનાનું સ્વરૂપ લીધું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતાં DYSP વિસ્મય માનસેતા સહિતની પોલીસ ટીમો બાબરા અને કાદીપુર બંને સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ શરૂ કરી છે.
DYSP એ જણાવ્યું હતું કે, મહિલાનો મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, વિનોદભાઈ ગોહેલ થોડા સમય પહેલા જ કાદીપુરથી બાબરાની ખોજા સોસાયટીમાં રહેવા આવ્યા હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ ઘટનાને પગલે બાબરા સહિત આસપાસના વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છવાયો છે.
*અટલ સમાચારની અપીલ:*
ઘરમાં તણાવ હોય તો વાતચીતથી ઉકેલ લાવો. ગુસ્સામાં લીધેલું એક પગલું આખી જિંદગી બરબાદ કરી દે છે.

