બનાવ@સુરત: મહિલા ડોક્ટરે 9મા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા. ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી.
મળતી માહિતી અનુસાર, મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડીયા પરિવાર સાથે રહેતી હતી. મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી.
રાધિકાની છ મહિના પહેલાં જ એક યુવક સાથે સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેના લગ્ન થવાના હતા. દરરોજ સવાર-સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી. રાધિકા 21 નવેમ્બરની સવારે ડેઇલી રૂટિન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી. ત્યાર બાદ બપોરે જમવા માટે ઘરે આવી પરત ક્લિનિક જતી રહી હતી. જોકે, સાંજના સમયે ઓફિસ સ્ટાફને રાધિકાએ કહ્યું હતું કે, હું યોગી ચોક જાવ છું કહી નીકળી ગઈ હતી.
સાંજે 7:15 વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી. ત્યાં અન્ય કપલો પણ હાજર હતા અને બધા હળવાશની પળો માણી રહ્યા હતા. આ દરમિયાન રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી ઉપર ચઢીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું. જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતા આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા.
રાધિકાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. દીકરીના મોતને પગલે પરિવારમાં જાણે કે પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ઘરના તમામ સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આક્રંદ કરવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પીઆઇ કે.એ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતક રાધિકાનો કબજો પોલીસે લઈ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણ બનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બે મહિના બાદ દીકરી રાધિકાના લગ્ન થવાના હતા તે પહેલાં જ આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ બનાવ અંગે સરથાણા પોલીસે મૃતક રાધિકાનો મોબાઈલ ફોન કબજે લઈ તેમજ પરિવારના સબ્યોના નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

