ગુનો@રાજકોટ: બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ રૂ.3.25 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ચોરી ફરાર
દીકરીના લગ્ન માટે ઘરમાં રાખેલા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુના ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતો હોય છે. શહેરમાં તરખાટ મચાવતા તસ્કરોએ નવાગામમાં નવીન રેસિડેન્સી-2માં રહેતા માધાભાઇ રૂડાભાઇ ઝાલા નામના પ્રૌઢના બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રૂ.3.25 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંનો હાથફેરો કરી ગયા છે. દીવ મેઇન પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા માધાભાઇની ફરિયાદ મુજબ, તેમની નોકરી દીવ ખાતે હોય પોતે પુત્ર સાથે ઉના રહે છે. જ્યારે રાજકોટના નવાગામ, નવીન રેસિડેન્સીમાં પત્ની અને દીકરી રહે છે.
દરમિયાન મોટી દીકરીની સગાઇ બે મહિના પહેલા જામનગરના યુવક સાથે કરી હોય અને આગામી મે મહિનામાં દીકરીના લગ્ન નક્કી કરાયા છે. જેથી ગત તા.30ની બપોરે પોતે પત્ની, દીકરી મકાન બંધ કરીને ઉના આવ્યા હતા. ત્યારે મંગળવારે સવારે પાડોશીએ ફોન કરી બંધ મકાનના તાળાં તૂટ્યાની જાણ કરી હતી. જેથી રાજકોટ આવ્યા હતા. તપાસ કરતા ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ નજરે પડી હતી.
બાદમાં દીકરીના લગ્ન માટે ખરીદેલા ઘરેણાં અનાજ ભરવાની કોઠીમાં રાખ્યા હોય તે ચેક કરવા જતા અનાજની કોઠી પણ ખુલ્લી હતી અને બોક્સમાં જુદા જુદા સોના-ચાંદીના ઘરેણાં, મોબાઇલ મળી કુલ રૂ.3,24,900ના હતા. તે ઘરેણાં પણ ગાયબ હતા. જેથી ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પીઆઇ વી.આર. રાઠોડ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવી તસ્કરનું પગેરું મેળવવા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.