કાર્યવાહી@ગુજરાત: સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર 20 વર્ષીય યુવકની જામીનઅરજી સ્પે. પોક્સો કોર્ટે ફગાવી

આરોપીને જામીન આપવામાં આવે તો સાક્ષી ફોડે 
 
કાર્યવાહી@ગુજરાત: સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર 20 વર્ષીય યુવકની જામીનઅરજી સ્પે. પોક્સો કોર્ટે ફગાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 9 વર્ષીય બાળકને ચોકલેટ આપવાનું કહી તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર 20 વર્ષીય યુવકની જામીનઅરજી સ્પે. પોક્સો કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, તપાસ ચાલી રહી છે. પોલીસ પેપર જોતા આરોપીનો પ્રથમદર્શી રોલ છે, ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યોગેશ ઉર્ફે યોગો નારણભાઇ સોલંકીએ 10 જુલાઇ, 2023ના રોજ તેના જ વિસ્તારમાં રહેતા 9 વર્ષીય બાળકને ચોકલેટ આપવાની લાલચ આપી ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થતા આરોપીને ઝડપી લઇ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાંથી યોગેશે જામીન માટે અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો નથી, મેં કોઇ જ કૃત્ય આચર્યું નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.

આ મામલે ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણે આરોપીને જામીન ન આપવા એફિડેવિટ રજૂ કરી હતી. સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ એવી દલીલ કરી હતી કે, આરોપીએ ચોકલેટની લાલચ આપી સગીરને બોલાવ્યો હતો, આખાય કેસમાં આરોપીની સક્રિય ભૂમિકા છે, આવા કિસ્સા વધી રહ્યાં છે, આરોપી તેના િવસ્તારમાં રહે છે, આરોપીને જામીન આપવામાં આવે તો સાક્ષી ફોડે અથવા પુરાવા સાથે ચેડાં કરે તેવી શક્યતા છે, ત્યારે આવા કેસમાં સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં પોક્સોના કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીની જામીનઅરજી ફગાવી દેવી જોઇએ.