સ્પેશ્યલ@અમદાવાદ: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના થોકબંધ ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો રાફડો, ડીડીઓ પણ લાચાર?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાના છેલ્લા કેટલાક મહિનાઓથી સતત કોઈને કોઈ વસ્તુ ખરીદી હેતુ ટેન્ડરો આવી રહ્યા છે. ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરના આ ટેન્ડરોમાં બેફામ, ભય વગર અને અતિરેક ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. દીવા જેવો સ્પષ્ટ પૂર્વ આયોજિત કૌભાંડનો ભ્રષ્ટાચાર અને ઈરાદાપૂર્વક સરકારના નાણાંકીય હિતોને નુકસાન થયું અને થઈ રહ્યું છતાં ડીડીઓ કેમ ચૂપ તે પણ સૌથી મોટો સવાલ છે. એવા તો કોના અને કેટલા હાથ ડીપીઈઓ ઉપર છે તો આ ભ્રષ્ટાચાર આધારિત રોકડી અટકતી નથી? આજે સ્પેશ્યલ રીપોર્ટમાં જાણીએ કે, ડીપીઇઓ જગદીશ પટેલ કેવી રીતે અને કેમ ટેન્ડરમાં બેફામ કૌભાંડ આચરી રહ્યા છતાં કાર્યવાહી નહિ.
અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સર્વેસર્વા જગદીશ પટેલને સરકારના નાણાં બચાવવા કરતાં ઠેકેદાર સાથે ટેન્ડરમાં પૂર્વ આયોજિત સેટિંગ્સ કરવામાં અતિશય રસ છે. તેનું એકમાત્ર કારણ છે ઓનલાઇન પોર્ટલનો સદુપયોગને બદલે ભયંકર દૂરુપયોગ કરી કોઈને ખબર ના પડે એમ ઈરાદાપૂર્વક ઈચ્છિત વેપારીને ઠેકો આપવાનો છે. છેલ્લા બેથી ત્રણ મહિનામાં ડીપીઇઓ કચેરી દ્વારા અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવા ઢગલાબંધ ટેન્ડર આવ્યા તેમાં દરવખતે રિવર્સ ઓક્શન દરમ્યાન બીડ વેલ્યુથી એકદમ નજીક બીડનો વર્ક ઓર્ડર થાય છે. ભાઇ જો આપના દ્વારા પારદર્શક ટેન્ડર થાય છે તો રિવર્સ ઓક્શન વખતે એજન્સીઓ વચ્ચે હરિફાઇ કેમ બનાવટી થાય છે? તદ્દન બનાવટી ભાવ ઓફર અને એક જ પાર્ટીની એજન્સીઓ હોવાની ડીપીઈઓ પટેલને જાણ છતાં ભ્રષ્ટાચારની ગંગામાં હાથ ધોઈ લેવાના ? હવે નીચેના ફકરામાં વાંચો તમામ ટેન્ડરના ભ્રષ્ટાચારની મોડસ ઓપરેન્ડી
અમદાવાદ ડીપીઈઓ જગદીશ પટેલ જ્યારે બીડ તૈયાર કરે અથવા કમિટી દ્વારા ટેન્ડર તૈયાર થાય પછી ઓનલાઇન અપલોડ થાય છે. હવે આ બીડ ઓનલાઇન અપલોડ થાય એ પહેલાં તેમાં કૌભાંડ કરવાના બીજ રોપાઈ જાય છે. ચોક્કસ એજન્સીને જ ટેન્ડર આપવું અને એ પણ બીડ વેલ્યુથી એકદમ નજીકની રકમનો વર્ક ઓર્ડર થાય તેમ આપવું તેનું સેટિંગ્સ પૂર્વ આયોજિત હોય છે. જ્યારે બીડ અપલોડ થાય ત્યારે વિવિધ શરતો અને માર્કેટના ખેલાડીઓને ખબર પડે કે અમદાવાદ ડીપીઇઓના ટેન્ડરમાં કોણ વેપાર કરી લેશે. આના આધારે ટેન્ડર ભરવા ગણતરીની એજન્સીઓ આવે તેમાં 3 એજન્સી એક જ પાર્ટીની હોય જેને ટેકનિકલ ક્વોલિફાઈ કરવાની હોય. ડીપીઈઓ જગદીશ પટેલ અને તેમની ટીમ ટેકનિકલ ચકાસણી કરે ત્યારે એટલું ચોક્કસ ધ્યાન રાખે કે, એક જ પાર્ટીની 3 એજન્સી સિવાય અન્ય કોઈ વેપારી રિવર્સ ઓક્શનમાં ઘૂસે નહિ. હવે જ્યારે ઈરાદાપૂર્વકની રિવર્સ ઓક્શન થાય ત્યારે એક જ વેપારી તેની અથવા તેના હેઠળ ઓપરેટ થતી એજન્સીઓ વચ્ચે બનાવટી ભાવ ઓફર કરે છે. આ બનાવટી ભાવ ઓફર એટલે જેટલી બીડ વેલ્યુ હોય તેનાથી એકદમ ગણતરીની રકમ ડાઉન કરવાની. જો અલગ અલગ વેપારી હોય અને પારદર્શક ભાવ ઓફર હોય તો બીડ વેલ્યુથી રેટ ખૂબ ડાઉન જાય.
અમદાવાદ ડીપીઇઓ જગદીશ પટેલના બેફામ, બિંદાસ, ભય વગરના અને છડેચોક ટેન્ડર કૌભાંડની જાણ, રજૂઆત ડીડીઓને થઈ છતાં મૌન રહ્યા. આ તમામ ટેન્ડર પ્રક્રિયામાં ડીડીઓની જવાબદારી આવે છે ત્યારે ડીડીઓને પૂર્વ આયોજિત સેટિંગ્સની જાણ નહિ થતી હોય ? જો જાણ નથી તો ડીડીઓ સમક્ષ ડીપીઇઓના ટેન્ડરમાં થતા કૌભાંડની મોડસ ઓપરેન્ડી રજૂ થઈ તો પણ કેમ કાર્યવાહી કે તપાસ શુદ્ધા ના કરી ? શું આઇએએસ એવા ડીડીઓ પણ ભ્રષ્ટાચારની ટોળકી સામે નતમસ્તક છે કે પછી ડીપીઇઓ જગદીશ પટેલના ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ કરવો નથી ?? આ સમગ્ર સવાલોના જવાબ જાણવા કોણ છે ડીપીઈઓ કચેરીના વેપારી કૌભાંડ પાછળના અસલી ખેલાડીઓ તે જાણવું પડશે ત્યારે આગામી ન્યૂઝ રીપોર્ટમાં ઘટસ્ફોટ કરીએ.

