હડકંપ@અરવલ્લી: ડીએમએફની ગ્રાન્ટના ખર્ચમાં 2 મહિલા અધિકારીની જવાબદારી, કથિત કૌભાંડમાં સંડોવણીનો સ્પેશ્યલ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
બાયડ ધારાસભ્યે જાહેર કરેલા ડીએમએફના કથિત કૌભાંડમાં તદ્દન નવી માહિતી સામે આવી છે. નિયમો મુજબ કલેક્ટરના ચેરમેન પદવાળી કમિટીએ નિર્ણય લઈ આયોજન અધિકારી મારફતે જિલ્લા શિક્ષણ અને જિલ્લા રમતગમત અધિકારીને ગ્રાન્ટ આપી હતી. વર્ષ 2021-22 દરમ્યાન બંને હોદ્દા ઉપર મહિલા અધિકારીઓ હતી અને આ બંને મહિલા અધિકારીઓએ જેતે ઠેકેદાર પસંદ કરી ગ્રાન્ટનો ખર્ચ કર્યો હતો. આ બંને મહિલા અધિકારીઓ હાલ અન્ય જિલ્લામાં ફરજ બજાવે છે પરંતુ કલેક્ટર સાથે ત્રિપુટીની પણ જવાબદારી બને છે. આ ત્રિપુટીમાં તત્કાલીન જિલ્લા આયોજન અધિકારી ડાભી, તત્કાલીન ડીઇઓ (મહિલા) અને ડીએસઓ(મહિલા) છે. જેમાં એક મહિલા અધિકારી અગાઉથી જ એક તપાસનો સામનો કરી રહ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
અરવલ્લી જિલ્લામાં મિનરલ ફંડની સરેરાશ 10 કરોડની ગ્રાન્ટના ખર્ચમાં ભયંકર હદે લાલિયાવાડી અને ગેરરીતિ થઈ હોવાનું બાયડ ધારાસભ્ય ધવલસિંહે જાહેર કર્યું છે. જેમાં સ્માર્ટ ક્લાસ અને રમતગમતના સાધનોમાં 5 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયાની ચોંકાવનારી વિગતો રજૂ કરતાં ખળભળાટ મચી ગયો પરંતુ જવાબદારી કોની તે વિષય જોતાં મોટી વિગતો મળી છે. આ કથિત કૌભાંડ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી મહિલા હતા અને જિલ્લા રમતગમત અધિકારી પણ મહિલા હતા ત્યારે તત્કાલીન જિલ્લા આયોજન અધિકારી ડાભીના સભ્ય સચિવ વાળી સમિતિએ આ બંને મહિલા અધિકારીઓને કરોડોની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટ ફાળવણી બાદ ગ્રાઉન્ડ ઉપર કેટલું કામ થયું? કેટલી ગુણવત્તામાં થયું? એસ્ટીમેન્ટ મુજબ થયું? પારદર્શક અને શુધ્ધ સ્પર્ધાત્મક રીતે થયું? માલસામાન ટેન્ડરની શરતો મુજબ સ્થળે પહોંચ્યો અને લાગ્યો? આ બાબતે બંને મહિલા અધિકારીઓની પ્રથમ જવાબદારી બને અને સાથે જિલ્લા આયોજન અધિકારીએ પણ ક્રોસિંગ કરવું પડે. આ ત્રિપુટીની નિષ્ક્રિયતા અથવા બેદરકારી અથવા ભ્રષ્ટાચાર અટકાવવામાં ઉદાસીનતા થયાનું ચર્ચાઇ રહ્યું છે. હવે ક્યાં જશે મામલો, વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લા મિનરલ ફાઉન્ડેશનની વિવિધ સમિતીમાં જિલ્લાના અનેક અધિકારીઓ સભ્ય હોય છે. જોકે આ 7 કરોડના કથિત કૌભાંડમાં કલેક્ટર, આયોજન અધિકારી અને અમલીકરણ કચેરીના તત્કાલીન શિક્ષણાધિકારી તેમજ તત્કાલીન મહિલા રમતગમત અધિકારીની સરકારનાં હિતમાં જવાબદારી બને છે. સૂત્રોએ ઉમેર્યું હતુ કે, નહિ માત્ર અરવલ્લી, કેટલાક દિવસો અગાઉ પંચમહાલ જિલ્લામાં પણ ડીએમએફની ગ્રાન્ટના ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ખુદ ધારાસભ્ય જેઠા ભરવાડે કરી હતી. આવી સ્થિતિમાં અરવલ્લીના આ કથિત કૌભાંડમાં સંડોવણીનો ઘટસ્ફોટ ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.