નિવેદન@અમદાવાદ: શંકરાચાર્યનું મોટું નિવેદન: નકલી દેવી-દેવતાઓથી દૂર રહો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મંદિર 'વિશ્વ ઉમિયાધામ' ખાતે દ્વારકાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી પધાર્યા હતા. અહીં તેમણે મા ઉમિયાના દર્શન કરી વિધિવત્ શિલાપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની પૂજા પદ્ધતિને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું.
*શંકરાચાર્યજીએ શું કહ્યું?*
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, "દેવી-દેવતાઓ વિરૂદ્ધ વિદેશી ષડયંત્ર ચાલી રહ્યું છે. સનાતન ધર્મના અનુયાયીઓએ શાસ્ત્રોમાં ન હોય તેવા નકલી દેવી-દેવતાઓ અને બનાવટી ધાર્મિક પરંપરાઓથી દૂર રહેવું જોઈએ."
તેમણે વધુમાં કહ્યું કે, "હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવોની જ પૂજા કરવી જોઈએ. આપણા પૂર્વજો જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તે જ આપણી સાચી પરંપરા છે. જે દેવી-દેવતાઓનું શાસ્ત્રો કે પુરાણોમાં કોઈ વર્ણન જ નથી, તેમની પૂજા કરવાની કોઈ જરૂર નથી."
*"મુંબઈના સિનેમાવાળાઓએ નવા દેવી-દેવતા ઊભા કર્યા"*
પૂજા પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, "આ બધું મુંબઈના સિનેમાવાળાઓએ ઊભું કરી દીધું છે, જેના કારણે આપણા મૂળ દેવી-દેવતાઓની પ્રાચીન પરંપરા ધ્વસ્ત થઈ રહી છે. મુંબઈના સિનેમાઘરમાં બને તે ભગવાન નથી."
*સંપ્રદાયોમાં વ્યક્તિ પૂજા વધી*
શંકરાચાર્યજીએ કોઈ ચોક્કસ સંપ્રદાય કે વ્યક્તિનું નામ લીધા વિના સૂચક પ્રહાર કરતા કહ્યું કે, "હાલમાં સંપ્રદાયોમાં વ્યક્તિ પૂજા વધી ગઈ છે. કેટલાક લોકો ધર્મમાં દૂધમાં પાણી ભેળવવાનું કામ કરી રહ્યા છે. સાચો હિંદુ અને સનાતની એ જ છે જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રો અને ચારેય ધામોને માને."
"જે દ્વારકાધીશ, સોમનાથ દાદા, મા દુર્ગા, દસ મહાવિદ્યાઓ, અંબાજી, આશાપુરા અને પોતાના કુળદેવી-કુળદેવતાને માને, તે જ સાચો હિંદુ છે."
*વિશ્વ ઉમિયાધામનું નિરીક્ષણ*
આ પ્રસંગે શંકરાચાર્યજીએ વિશ્વ ઉમિયાધામના નિર્માણાધીન ગર્ભગૃહની મુલાકાત લઈ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વ ઉમિયાધામ પરિસરની ઉર્જા ખૂબ જ સકારાત્મક છે અને આગામી સમયમાં તે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનું પ્રતીક બનશે.

