આપઘાત@અમદાવાદ: MBBSના 3 વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી

પેન્ટ્રી રૂમમાં જ પંખા સાથે દોરડુ બાંધી આત્મહત્યા કરી
 
આપઘાત@અમદાવાદ: MBBSના 3 વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકે આપઘાત માટે ઓનલાઈન દોરડુ ( રસ્સી) મગાવ્યુ હોવાનું અનુમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી યુવક તણાવમાં રહેતો હોવાનુ સહાધ્યાયીઓએ જણાવ્યુ છે ત્યારે મેડિકલનો અભ્યાસ કરતા આશાસ્પદ યુવકે આખરે શા માટે આત્મઘાતી પગલુ ભર્યુ તે સવાલ દરેકના મનમાં છે.

અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. મૃતકે આપઘાત કરવા માટે ઓનલાઈન સાઈટ પરથી દોરડુ (રસ્સી) મગાવી હોવાનું પણ અનુમાન છે. વિદ્યાર્થીએ તેની જ હોસ્ટેલના પેન્ટ્રી રૂમમાં રસ્સી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 પંખા સાથે દોરડુ બાંધી આત્મહત્યા કરી

મૂળ જામનગરનો રહેવાસી 21 વર્ષીય ધ્રૂવ ધાડીયા શાહીબાગ સ્થિત બી. જે. મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ધ્રુવ સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરોની બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. 18 ડિસેમ્બરે બપોરે ધ્રુવે વોટસઅપ પર મેસેજ કરીને સોપાનમ -8 ના 5માં માળે આવેલા સી બ્લોકના પેન્ટ્રી રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ દરમિયાન એક ડૉકટર પેન્ટ્રીમાં જતા તેમણે ધ્રુવને લટકેલી હાલતમાં જોતા બનાવની જાણ થઈ હતી. ડૉકટરે ધ્રુવને નીચે ઉતારીને સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો. આ બનાવની મેઘાણીનગર પોલીસને જાણ કરતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કરાવીને તપાસ શરૂ કરી.

મેડિકલ વિદ્યાર્થી ધ્રુવના આપઘાત કેસમાં પોલીસે હોસ્ટેલમાં ધ્રુવની સાથે રહેતા અન્ય વિદ્યાર્થીઓ અને સહઅધ્યાયીઓના નિવેદન લેતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ધ્રુવ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો. જો કે કયા કારણોસર તે તણાવમાં હતો તેની કોઈને જાણ નહોતી. બીજી તરફ પોલીસને એવી પણ માહિતી મળી છે કે આ અગાઉ પણ ધ્રુવે આત્મહત્યા કરવાનો બે વખત પ્રયાસ કર્યો હતો. જો કે તેના મિત્રોએ તેને સમયસર બચાવી લીધો હતો. આ સમયે પણ મિત્રો તેને બચાવી લેશે તેમ લાગતા ધ્રુવે તેના અમુક મિત્રોને વોટસઅપ પર આત્મહત્યા કરતા પહેલા મેસેજ કર્યો હતો કે આ પહેલા મિત્રો તમે મને બચાવી લીધો હતો પરંતુ આ વખતે તમે મને રોકી શકશો નહીં અને અંતે તેણે આ પગલું ભર્યુ હતું.

ધ્રુવ યુટ્યુબ પર આત્મહત્યા કરવાના વીડિયો જોતો હોવાનું પણ સામે આવ્યું છે અને આત્મહત્યા કરવા માટે ધ્રુવ ઓનલાઈન દોરડુ મંગાવી હોવાની શક્યતાને લઈને પોલીસે ધ્રુવના મોબાઈલ FSL માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આપઘાત મામલે હાલમાં મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા પાછળ જવાબદાર કારણ જાણવા ધ્રુવના મિત્રો પરિવારજનો અને ઓળખીતાના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.