આત્મહત્યા@મહેસાણા: અમદાવાદના યુવકે કડી નજીક નર્મદા કેનાલમાં ડૂબીને આપઘાત કર્યો
પોલીસે ચોરીના આરોપમાં લઈ ગઈ હતી
Nov 10, 2023, 14:59 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબીને એક યુવકે આપઘાત કરી લીધો છે. યુવકે પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકે આપઘાત કરતા અગાઉ એક સેલ્ફી વીડિયો બનાવ્યો હતો. એ વીડિયોમાં સાબરમતી પોલીસ દ્વારા કરવામાં આવતી પરેશાનીને લઈ તેણે આક્ષેપ કર્યા છે.
આપઘાત કરનાર યુવક અમૃત દલપતભાઈ દંતાણી અમદાવાદ જીલ્લાના કાળી ગામનો છે અને જેને ગત 25 ઓગષ્ટ અને 27 ઓક્ટોબરે સાબરમતી પોલીસે ચોરીના આરોપમાં લઈ ગઈ હતી. જોકે તેના કાકાએ તેને છોડાવીને ઘરે પરત લઈ આવ્યા હતા. યુવક અમૃત દંતાણી પોલીસની પરેશાનીના કારણે સતત ડીપ્રેશનમાં રહેતો હતો. મૃતકના કાકાએ પણ સાબરમતી પોલીસ સામે પૈસાની માંગણીના આક્ષેપ કર્યા છે. મૃતકે વીડિયોમાં મદ્રાસી સંજય ચાવડા ચોરીઓ કરાવતો હોવાનો અને ચેનપુરના ચોર ચોરી કરતા હોવાનુ કહ્યુ હતુ.