રિપોર્ટ@કચ્છ: ઘર કંકાસને પગલે એક પરીવાર બીજા પરીવારથી અલગ રહેવા જતા આરોપીએ નાના બાળકની હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુનિયામાં હત્યાના અનેક બનાવો બનતા હોય છે. હાલમાં એક નાની બાળકીને મારી નાખી હતી,જેનો ખુલાસો થયો છે.
ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ.આઈ.જી. ભક્તિનગર વિસ્તારમાંથી અમન કુમાર રૂદલ સરયુગ બિહારી યાદવ નામના 2 વર્ષીય માસૂમ બાળકનું અપહરણ કરી કંડલા ઝોનના લાલ ગેટ નજીક બાવળની ઝાડીમાં લઈ જઈ તેને પછાડી ક્રૂર રીતે હત્યા કરવાના ગુનામાં પોલીસે ભોગ બનનારની માતાના સંબંધીની ધરપકડ કરી છે. સાથે રહેતા અને ઘર કંકાસને પગલે એક પરીવાર બીજા પરીવારથી અલગ રહેવા જતા આરોપીએ નાના બાળકની હત્યા કરીને પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.
મૂળ બિહારના અને હાલ ગાંધીધામ ખાતે ચાર મહિનાથી મજૂરીકામ કરવા આવેલા રૂદલ સરયુગ બિહારી યાદવ પોતાની પત્ની સુષ્મા દેવી અને નાના પુત્ર અમન કુમાર સાથે રહે છે. તેમના બે બાળકો વતનમાં પોતાના દાદા-દાદી સાથે રહે છે. કાસેઝની ખાનગી કંપનીઓમાં આ લોકો મજુરી કામ કરે છે. આ બંને પતિ-પત્ની કંપનીમાં કામે જાય ત્યારે પોતાના બાળક અમનને મકાન માલિક રમેશભાઈ રાવલને ત્યાં મૂકીને જતા હતા.
ગત રવિવારે પણ આ દંપતી નિત્યક્રમ મુજબ કામે ગયું હતું. સાંજે સુષ્માદેવી કામ પરથી ઘરે વહેલા આવતા રમેશભાઈના ઘરેથી અમનને લઈ આવ્યા હતા. આ દરમિયાન માસૂમ બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. ત્યારે અચાનક ત્યાંથી ગુમ થઈ જતાં તેના પરિવારજનો અને આસપાસના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બાળક મળી આવ્યું નહોતું.
બે કલાકની શોધખોળ બાદ કંડલા ઝોનના લાલ ગેઇટની સામેના ભાગે આવેલી બાવળની ઝાડીમાં એક બાળકની લાશ મળી આવી હતી. જે આ શ્રમિક દંપતીનું જ હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકનું કોઈએ પહેલા અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બાવળની ઝાડીમાં લઈ જઈ કપાળના મધ્ય ભાગમાં કોઈ હથિયાર વડે તેની ક્રૂર રીતે હત્યા નીપજાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ફરીયાદી અને તેની પત્ની અગાઉ આરોપી રૂદલ રામલખન યાદવના પરીવાર સાથે એક સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. જેમાં મહિલાઓ વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. તેથી ફરિયાદી થોડાક સમયથી અલગ રહેવા લાગ્યા હતા. આ બાબતે નારાજ આરોપીએ પોતાના ગુસ્સો નાના બાળક પર ઉતાર્યો હતો. અને તેની હત્યા કરી નાંખી હતી.