ગુનો@ગુજરાત: વૃધ્ધના હાથમાંથી થેલો આંચકી આરોપીએ 11.55 લાખ લૂંટી લીધા

બે શખ્સ બેંકથી જ પીછો કરતા 

 
ગુનો@ગુજરાત: વૃધ્ધના હાથમાંથી થેલો આંચકી આરોપીએ 11.55 લાખ લૂંટી લીધા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  વીંછિયાની એસબીઆઇ શાખામાંથી ધિરાણની મોટી રકમ ઉપાડીને ઘર તરફ આવી રહેલા બે વૃધ્ધને ચીરોડા ગામના પાટિયા પાસે આંતરી બન્નેને બાઇક પરથી પછાડી, પાછળ બેઠેલા વૃધ્ધના હાથમાંથી થેલો આંચકી કાળા કપડા અને હેલ્મેટ પહેરેલા શખ્સે 11.55 લાખની લૂંટ ચલાવી હતી અને થેલો ઝૂંટવીને ભાગી ગયા હતા. આરોપીઓએ ઓચિંતો હુમલો કરતાં વૃધ્ધો પ્રતિકાર કરે તે પહેલાં જ બન્નેને માર મારતાં બન્નેને ઇજા પહોંચી હતી અને વીંછિયા બાદ જસદણ સારવારમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ વીંછિયા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આસપાસ જો ક્યાંય ફૂટેજ કે સાક્ષીના આધારે લુંટારુંઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.

વીંછિયાની SBI બેંકમાંથી ધિરાણની રકમ 11.55 લાખ લઈને થેલામાં ભરીને ઝવેરભાઇ મોતીભાઇ જમોડ ઉ.વ.80 અને ધમાભાઇ સામતભાઇ ઉ.વ.60 પરત આવવા નીકળ્યા હતા. બાઇક ઝવેરભાઇના પાડોશી ધમાભાઇ ચલાવી રહ્યા હતા. બન્ને ચીરોડના પાટિયા પાસે સાંજના પાંચ વાગ્યા આસપાસ પહોંચ્યા ત્યારે સુમસામ રસ્તો જોઇ બે બાઇક ચાલકે આ વૃધ્ધોને આંતર્યા હતા અને ઝવેરભાઇના હાથમાંથી થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે થેલો જકડીને પકડી રાખતા બાઇકર્સે બન્નેને નીચે પછાડી લીધા હતાં અને રોડ પર ઢસડાવવાના લીધે બંને વૃદ્ધને સારી એવી ઇજા પહોંચી હતી અને થેલો ઝુટવવા મથતા આરોપીઓનો પ્રતિકાર નબળો પડતા જ લુંટારુંઓ પોતાના ઇરાદામાં સફળ થઇ ગયા હતા અને થેલો આંચકીને પોબારા ભણી ગયા હતા. ઝવેરભાઇની ઇજા વધુ ગંભીર હોઇ તેમને જસદણ રીફર કરવામાં આવ્યા છે. વધુ તપાસ તાલુકા પોલીસના પીએસઆઇ સરવૈયા ચલાવી રહ્યા છે.

ઘટના અંગે ઇજાગ્રસ્તોએ હોસ્પિટલના બીછાનેથી જણાવ્યું હતું કે અમે બેંકમાંથી નીકળ્યા ત્યારથી જ બે લોકો બાઇક પર અમારો પીછો કરતા હતા અને બન્નેએ કાળા કપડા પહેર્યાં હતા, એકએ હેલ્મેટ પહેર્યું હતું. આ ઘટના છાસિયા વીંછિયા રોડ પર ચિરોડા ગામના પાટિયા પાસે બની હતી અને ત્યાં આસપાસમાં 200 મીટર સુધી કોઇ દુકાન કે કશું જ નથી. તેમજ રોડ પર ચહલપહલ પણ ઓછી હતી.

ઘટનાની જાણ થતાં હું ટીમ સાથે ચિરોડા ગામના પાટિયે પહોચ્યો હતો અને સ્થળ તપાસ કરી હતી. જોકે આસપાસ એકા’દ કિલોમીટર સુધી કોઇ દુકાન કે સીસીટીવી કુટેજની સગવડ ન હોય અમારે માટે પણ આરોપીની શોધ થોડી કપરી બની છે છતાં તપાસ ચાલુ છે.