મર્ડર@દાહોદ: અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો સાથે મળી ગળું દબાવી પતાવી દીધો

બીજા દિવસે પેટ્રોલ છાંટીને લાશને સળગાવી નાખી હતી.
 
મર્ડર@દાહોદ: અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો સાથે મળી ગળું દબાવી પતાવી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દાહોદ જિલ્લામાં થોડા દિવસપહેલા સળગેલી હાલતમાં એક લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો સાથે મળી ગળું દબાવી પતાવી દીધો હતો. જે બાદ લાશને આખી રાત સુધી અલ્ટો ગાડીમાં રાખી હતી, પછી બીજા દિવસે પેટ્રોલ છાંટીને લાશને સળગાવી નાખી હતી. જે મામલે પોલીસે સગાભાઈ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે.

સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશન નજીક સળગાવેલી હાલતમાં મળેલી લાશની ઓળખ સ્થાપિત કરીને દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે.

DYSP ડી.આર.પટેલે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. DYSPએ જણાવ્યું કે, તારીખ 12 ડિસેમ્બર, 2025ના રોજ સાંજના સમયે સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશનના પાછળના ભાગે અજાણ્યા ઈસમની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. લાશની ઓળખ કરવી એ પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો.

વધુમાં જણાવ્યું કે, આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી., સંજેલી પોલીસ, લીમડી પોલીસ, ઝાલોદ પોલીસ, ફતેપુરા પોલીસ, અને ચાકલીયા પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને તલસ્પર્શી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું.

સઘન તપાસ દરમિયાન, મરણ જનાર વ્યક્તિની ઓળખ તેના હાથમાં પહેરેલ 'શ્રી શ્યામ' લખેલા કડા અને હાથમાં રહેલી ઘડિયાળના આધારે થઈ હતી. મૃતક વ્યક્તિ ઝાલોદના કારઠ મુકામનો રોયલ લબાના હોવાનું સામે આવ્યું હતું.

મરણ જનારની ઓળખ થતાં પોલીસે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેના સગા ભાઈ અક્ષય લબાનાની હલચલમાં શંકા જતા અક્ષયની વધુ પૂછપરછ કરી જેમાં શરૂઆતી સમયે પૂછપરછ દરમિયાન અલગ અલગ વાતો કરી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા અક્ષય ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી.