નિર્ણય@રાજકોટ: લોકમેળો રદ કરવાનો મુખ્યમંત્રીએ આદેશ આપ્યો, સ્કૂલોમાં રજા જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ધરોહર લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે તથા સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ 100 ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું હશે કે, વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત 2000 સ્કૂલોમા આવતીકાલે(28 ઓગસ્ટ,2024) રજા જાહેર કરવામાં આવી છે.
રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યુ હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે વધુ એક દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. બુધવારે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો માટે પણ રજા રાખવામાં આવેલી છે. વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ રજાની જાહેરાત કરવામાં આવી છે. પછીના દિવસોમાં રજા રાખવી કે નહીં તે વરસાદને આધારે નક્કી કરવામા આવશે.