કાર્યવાહી@મોરબી: ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે જામીન આપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ઝુલતા પુલ કેસના કુલ 6 આરોપીને જામીન મળ્યા છે. 3 સુરક્ષાકર્મી, 2 કલાર્ક અને 1 મેનેજરને હાઇકોર્ટે જામીન મુક્ત કર્યા છે.
ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ઘટનામાં જે કંપનીને ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે ઓરેવા કંપનીના માલિક આરોપી જયસુખ પટેલ હાલ જેલમાં છે. કેટલાક દિવસ પહેલા જ આ કેસમાં સરકારે હાઈકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દુર્ઘટના માટે ઓરેવા કંપનીને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી હતી.