કાર્યવાહી@રાજકોટ: સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અપહરણ અને દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના ગુનાઓ સામે આવતા હોય છે. રાજકોટમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુના અંગેની ફરિયાદ નોંધાઈ હતી. થોરાળા પોલીસમાં નોંધાયેલી આ ફરિયાદનાં આધારે પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ પોક્સો કોર્ટમાં આ અંગેનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો. 23 વર્ષીય આરોપી સાગર મકવાણાએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સાબિત થતા સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ જે. ડી. સુથારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગત તા.03-03-2021નાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોલીસે 23 વર્ષીય આરોપી સાગર ભરતભાઈ મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી સામે પૂરતા પુરાવા મળી આવતા પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ પોક્સો અદાલતમાં કેસ ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુશન તરફે ફરિયાદીની તેમજ ભોગબનનારની અને ડોક્ટરની તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. બાદમાં ફરિયાદીએ કોર્ટમાં સોગંદ ઉપર ફરિયાદ મુજબની જુબાની આપી હતી. ભોગબનનારે તેના ઉપર થયેલ દુષ્કર્મની હકીકત જણાવી આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો.
ઉપરાંત ડોક્ટરે ભોગબનનાર અને આરોપીની મેડિકલ તપાસણી કરી સેમ્પલો મેળવ્યા હતા. તે મુજબ જુબાની આપી અને મેડિકલ સર્ટિફિકેટ આપ્યાનું જણાવ્યું હતું. તપાસ કરનાર પોલીસ અધિકારીએ પણ તેઓએ કરેલી તપાસની સંપૂર્ણ હકીકત સોગંદ ઉપર જણાવી ઉપરાંત પ્રોસિક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં ફરિયાદમાં મેડિકલ સર્ટી, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તમામ દસ્તાવેજી પુરાવાઓને પ્રોસિક્યુશન દ્વારા સાબિત કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરી હતી કે, આરોપીનું સિમેન ભોગબનનારના પ્રાઇવેટ પાર્ટ્સમાં મળી આવેલ છે. તેથી આરોપીએ આ ગુનો આચર્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. એવી દલીલ કરવામાં આવી કે, ભોગબનનાર સગીર છે અને આરોપી 23 વર્ષનો છે અને આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. આવા ગુનાના આરોપી સામે કેસ સાબિત થયો હોવાથી આરોપીને કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા વિનંતી કરી હતી.
સમગ્ર મામલે આ કેસમાં પોક્સો અદાલતે સોગંદ ઉપરની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલને ધ્યાને લીધા હતા. સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ પોક્સો કોર્ટના જજ જે. ડી. સુથારે આરોપી સાગર મકવાણાને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા. પુત્રીને ન્યાય મળતા પરિવારે વકીલ અને પોલીસ તેમજ અદાલતનો આભાર માન્યો હતો.