કાર્યવાહી@આણંદ: પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો

શખ્સે ગળું દબાવીને પોતાની પત્નીની હત્યા કરી હતી
 
કાર્યવાહી@અમદાવાદ: 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. દિવસેને દિવસે વધી રહ્યા છે. આણંદ તાલુકાના મોગર ગામમાં બે વર્ષ અગાઉ માથાભારે શખ્સે ગળું દબાવીને પોતાની પત્નીની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે હત્યારા પતિને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5 હજારોનો દંડ ફટકાર્યો છે.

આણંદ તાલુકાના મોગર તાબે શનાપુરામાં આવેલ રગડી તલાવડી વિસ્તારમાં રહેતાં 43 વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ ઝાલાની માતા તારીખ 1-2-22 ના રોજ બિમાર પડ્યાં હતાં. જેથી રમેશભાઈ સામરખા ખાતે પોતાના માતાને ત્યાં ખબર કાઢવા ગયાં હતાં. જે બાદ સાંજે પરત જઈને પોતાની પત્ની ગીતાબેન ઉર્ફે સુમિત્રા (ઉ.વ - 42) ને સામરખા આવવા કહ્યું હતું. જે તે વખતે ગીતાબેને આવતીકાલે બપોર પછી જવાનું કહેતા રમેશભાઈ એ બોલાચાલી કરી હતી.

જે બાદ બીજા દિવસે સવારે ગીતાબેન ઉર્ફે સુમિત્રા કપડા ધોવા માટે નજીકમાં આવેલ એક ખેતરના કુવે ગયાં હતાં, તે વખતે રમેશભાઈએ પણ તેની પાછળ પાછળ કુવા પાસે જઈને પોતાની પત્ની ગીતાબેન સાથે ઝઘડો કર્યો હતો. તુતુ... મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા રમેશભાઈએ પોતાની પત્ની ગીતાબેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યાં હતાં અને લાશને ખેતરમાં મુકીને રમેશભાઈ ભાગી ગયાં હતાં.

આ બનાવ અંગે મૃતક ગીતાબેનના ભાઈએ વાસદ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં જ હત્યારા રમેશ ઝાલા ની અટકાયત કરી હતી. જે બાદ તપાસ પૂર્ણ કરી, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ આણંદના સત્ર ન્યાયાધીશ વિક્રમસિંઘ બલવંતસિંઘ ગોહીલની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ વી.બી.મહિડાએ આરોપી વિરુદ્ધ 15 મૌખિક પુરાવા અને 26 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતાં. જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપી રમેશભાઈ ચતુરભાઈ ઝાલાની ઇ.પી.કો કલમ 302 ના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ જો દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.