ભોજન@ગુજરાત: શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહ્ન મેનુમાં થશે ફેરફાર, આ પ્રકારની વ્યવસ્થા થશે

1 સપ્ટેમ્બરથી હવે બપોરનું જ ભોજન મળશે

 
ગાંધીનગર: મધ્યાહન ભોજન કર્મચારીઓનું પડતર માંગણીઓને લઇ આંદોલન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરકારી તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.


આ અંગે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇનટેક વધે એવો સરકારનો આશય છે, સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે. આદિજાતિ વિસ્તારના 11.50 લાખ બાળકને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. ટૂંકમાં, નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલરીયુક્ત ખોરાક આપવામાં આવશે.