રિપોર્ટ@મોરબી: વોકળા પર બનાવેલો સ્લેબ બેસી જતા ડમ્પર અંદર ઘૂસી ગયું, 2 યુવતી માંડ માંડ બચી

2 યુવતી માંડ માંડ બચી
 
 રિપોર્ટ@મોરબી: વોકળા પર બનાવેલો સ્લેબ બેસી જતા ડમ્પર અંદર ઘૂસી ગયું, 2 યુવતી માંડ માંડ બચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે  આવતી હોય છે. મોરબીના બાપા સીતારામ ચોકમાં એક ભયાનક દુર્ઘટના જોવા  મળી . જ્યાં વોકળા પર બનાવેલો સ્લેબ બેસી જતા ડમ્પર અંદર ઘુસી ગયું હતું અને સામેથી એક્ટિવામાં આવતી બે યુવતી પર પડતા બંને માંડ માંડ બચી જતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.


મોરબી શહેરના રવાપર રોડને નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં બાપા સીતારામ ચોકમાં વોકળા પર સ્લેબ બનાવેલો હતો અને ત્યાંથી એક કપચી ભરેલો ટ્રક મંગળવારે સાંજે પસાર થતો હતો. ત્યારે સ્લેબ તૂટી જતા ડમ્પર અંદર ઘુસી ગયું હતું. તે સમયે અહીંથી સ્કૂટરમાં બે યુવતીઓ પણ પસાર થતી હતી અને ડમ્પર ઘુસી જતા કપચીમાં યુવતીનું સ્કૂટર ફસાયું હતું. બંને યુવતી ડમ્પર આવતા પહેલા રોકાઈ ગઈ હતી. જે બાદ આગળ વધતાં અચાનક ડમ્પર બંને યુવતીઓ પર પડ્યું હતું. જેમાં બંને યુવતીઓ માંડ માંડ બચી હતી. જોકે, સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે તંત્ર દુર્ઘટના સર્જાય પછી જ કામ કરશે ? તેવી ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે.


બનાવ મામલે પાલિકાના એન્જિનિયર કિશન ફૂલતરીયાએ જણાવ્યું હતું કે, ઘટના સાંજે બની હતી. જે ટ્રક ફસાઈ જતા એક એક્ટિવા પણ ફસાયું હતું, સદનસીબે જાનહાનિ થઇ નથી અને પાલિકા દ્વારા તપાસ ચાલુ છે. વોકળા પર રોડ બનાવવા મામલે જણાવ્યું હતું કે રોડનું કામ ચાલુ છે. વોકળા પર રોડ બનાવી પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. રોડનું કામ ચાલતું હોવાથી ભારે વાહનો પસાર થતા સમસ્યા સર્જાઈ હતી. બાઈક-કાર જેવા નાના વાહનો આસાનીથી પસાર થઇ શકે છે.