ધાર્મિક@ગુજરાત: 'હર હર મહાદેવ'ના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી રંગાયો
4000થી વધુ કાવડિયા પગપાળા નીકળ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતી કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે. ભગવાન શિવની પૂજા-આરાધના કરવા માટે આ મહિનો ઉત્તમ ગણાય છે. સોમવારથી ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણ માસ એટલે કે મહાદેવની આરાધનાનું મહિનો. એવામાં આ પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અમદાવાદ શહેરમાં કાવડયાત્રા યોજાઇ હતી. એમાં અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 2024માં 10મી કાવડયાત્રા યોજાઇ હતી, જેમાં અમરાઈવાડીથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી એટલે કે 55 કિલોમીટર લાંબી યાત્રા યોજાઇ હતી, જેમાં 4000થી પણ વધુ કાવડિયા પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. આજે સવારે આ કાવડયાત્રાની શરૂઆત થઈ હતી અને જેમાં હજારો ભક્તો જોડાયા હતા, એ સાથે જ 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી રંગાયો હતો.
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગર ખાતે આવેલા અમરનાથ ધામ સુધીની 55 કિ.મી. લાંબી કાવડયાત્રામાં તમામ કાવડિયા ભગવા રંગનાં વસ્ત્રો ધારણ કરીને પદયાત્રા કરીને ગાંધીનગર પહોંચશે. એમાં વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય અંબે કાવડ પદયાત્રાના સંયોજનથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 10મી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆતમાં આજે સવારે તમામ 4,000 જેટલા કાવડયાત્રી પર ડ્રોન મારફત 25 કિલો કરતાં પણ વધુ ફૂલોથી વર્ષા કરવામાં આવી હતી.
આવતીકાલથી હિન્દુ કેલેન્ડર અનુસાર, ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી અને અંત પણ સોમવારે થવાનો છે, એટલે કે ભક્તો માટે આ એક ખુશીની લાગણી છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવશે એવામાં આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને એની સાથે-સાથે સોમવાર પણ હોવાથી શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને રીઝવવા માટે પૂજા-અર્ચના કરવા જશે ત્યારે ગાંધીનગર ખાતેના અમરનાથ ધામમાં આ કાવડિયા યાત્રામાં લઈ જવામાં આવેલા ઝાડ દ્વારા કળશથી અભિષેક કરવામાં આવશે. એવામાં ભક્તોનું ઘોડાપૂર શિવાલયમાં અને ખાસ કરીને અમરનાથ ધામમાં ઊમટી પડશે. મહત્ત્વનું છે કે અમરનાથ ધામ ખાતે હુબહુ બાર જ્યોતિર્લિંગ જેવી કૃતિ છે ત્યાં જલાભિષેક કરવામાં આવશે.