બનાવ@વડોદરા: મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા 2 લોકોએ જીવ ગુમાવ્યો, પરિવારજનોમાં શોક

પરિવારજનોમાં શોક
 
બનાવ@વડોદરા: મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા 2 લોકોએ જીવ ગુમાવ્યો, પરિવારજનોમાં શોક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જતા વડોદરાના બે લોકોના મોત થયા છે. જેને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


વડોદરા જિલ્લાના સાવલીના ગોઠડા ગામના કાલુભાઈ ચૌહાણના ઘેર સગાઈ પ્રસંગે મહેમાન આવ્યા હતા અને ભારે ગરમી અને ઉકળાટના પગલે અમરાપુરા ગામ પાસે મહેમાનોનું ટોળું ન્હાવા ગયું હતું અને અમરાપુરા ગામે આવેલી મહી નદીમાં ન્હાવા પડ્યા હતા, જેમાં સુગરાબેન ગરાસીયા અને વિક્રમસિંહ દીપસિંહ ચૌહાણ (રહે. પ્રતાપનગર, વડોદરા) મહીસાગર નદીના વહેણમાં તણાઈ ગયા હતા. બનાવના પગલે બૂમા બૂમ મચતા સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો દોડી આવ્યા હતા.


ભારે શોધખોળ બાદ સુગરાબેન અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેઓને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમસિંહ ચૌહાણનો પત્તો ન લાગતાં વડોદરાથી NDRFની પણ મદદ લેવામાં આવી હતી અને સ્થાનિક તરવૈયાએ વિક્રમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.


હાલમાં જ વડોદરા જિલ્લા કલેકટર દ્વારા લાછનપુરા ખાતે મહી નદીમાં ન્હાવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને તેના માટે જાહેરનામું બહાર પડ્યું છે. તેમ છતાં અમરાપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. જ્યાં ન્હાવા પડતા તણાઈને ડૂબી જવાથી બંનેનું મોત થયું હતું. મૃતક સુગરાબેનના સગા સંબંધીઓએ કોઈપણ કાર્યવાહી કરવાની ના પાડતા તેઓ મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા. આમ જાહેરનામું હોવા છતાં મહીસાગર નદીમાં નાહવા પડીને વડોદરા જિલ્લા કલેકટરના જાહેરનામાના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે.