ગુનો@અમદાવાદ: ફરિયાદ કરવાની અદાવતમાં પતિ-પત્નીએ યુવકને ફટકારી ચાકુ માર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મારા-મારીના બનવો ખુબજ વધી ગયા છે. રોજ મારા-મારીની ઘટનાઓ સામે આવતા હોય છે. ફરિયાદ કરવાની અદાવતમાં પતિ-પત્નીએ યુવકને ફટકારી ચાકુ મારી દીધું હતું. જેથી યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવકે પતિ-પત્ની સામે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમરાઇવાડી વિસ્તારમાં 27 વર્ષીય સાહિલ માયકલભાઇ દિવેકર માતા સાથે રહે છે અને રિક્ષા ચલાવી ગુજરાન ચાલાવે છે.
22મીના રોજ સાહિલના મિત્ર ચીકાનો તેના જ વિસ્તારમાં રહેતી લક્ષ્મી સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો. જેમાં મારામારી થતા ચીકાને ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેથી ચીકાની માતાને લઇ સાહિલ અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો. 24મીના રોજ સાહિલ પોતાની રિક્ષા લઇ સાંજે વસ્ત્રાલ રિંગ રોડ પાસે નાસ્તો કરવા માટે ઊભો હતો ત્યારે લક્ષ્મી અને તેનો પતિ જિજ્ઞેશ રિક્ષા લઇ ત્યાં આવ્યા હતા.
ત્યારબાદ સાહિલને જણાવ્યું હતું કે, તું અમારી સામે ફરિયાદ નોંધાવા માટે અમરાઇવાડી પોલીસ મથકમાં કેમ ગયો હતો. પછી પતિ-પત્નીએ તરકાર કરી હતી અને આ દરમિયાન જિજ્ઞેશે પોતાની પાસે રહેલું ચાકુ કાઢ્યું હતું અને સાહિલ પર હુમલો કર્યો હતો. બીજી તરફ લક્ષ્મી દંડો લઇ આવી હતી અને સાહિલને ફટકાર્યો હતો. ચાકુ વાગતા સાહિલ લોહીલુહાણ થઇ ગયો હતો.
લક્ષ્મીએ જણાવ્યું હતું કે, હવે પછી અમારા ઝઘડામાં વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશું. આ દરમિયાન બૂમાબૂમ થતા લોકો એકત્ર થઇ જતા પતિ-પત્ની પલાયન થઇ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સાહિલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સાહિલે લક્ષ્મી અને તેના પતિ જિજ્ઞેશ સામે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે તપાસ આદરી છે.