ઘટના@વલસાડ: યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. વલસાડ રેલવે સ્ટેશન પર બુધવારે સાંજના સમયે એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આત્મહત્યાની સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એક યુવક ટ્રેન આવે એની રાહ જોઈ રહ્યો છે. ટ્રેન નજીક આવતાં જ ઝડપથી ચાલીને અચાનક જ ટ્રેક પર કૂદી પડે છે. યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે.
વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર રાતે પોણાઆઠ વાગ્યાનો સમય હતો. મુંબઈથી સુરત તરફ જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ આવવાનો સમય થઈ ચૂક્યો હતો. આ પહેલાં જ એક યુવક રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. સામાન્ય રીતે બધા પેસેન્જર ટ્રેનની રાહ જોતા હોય એ રીતે જ આ યુવક ટ્રેનની રાહ જોતો હતો. પ્લેટફોર્મની નજીક ટ્રેન આવતાં જ યુવક ઝડપથી ચાલતો થાય છે અને અચાનક જ એન્જિન આગળ કૂદકો લગાવી દે છે.
પૂરપાટ ઝડપે આવતી ટ્રેન આગળ પડતું મૂકી દેતાં અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવેટ્રેક પર હચમચાવી નાખતાં દૃશ્યો સર્જાયાં હતાં. ઘટના અંગે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના પાઇલટે કંટ્રોલ રૂમ મારફત વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. વલસાડના સ્ટેશન માસ્તરે તાત્કાલિક વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ કરી હતી.
વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશની પ્રાથમિક તપાસ કરતાં યુવકના ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હતા. GRPની ટીમે યુવકની લાશના ફોટા આજુબાજુમાં રહેતા અગ્રણીઓને મોકલાવી અજાણ્યા યુવકની લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ઓળખ થયા બાદ આત્મહત્યા પાછળનું કારણ સામે આવે તેવી શક્યતા છે.