ઘટના@અમરેલી: દોઢ વર્ષની બાળકી અચાનક બોરવેલમાં પડી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી
 
ઘટના@અમરેલી:દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે.  અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ છે, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બાળકી બોરમાં 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.


અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, અમારી કલેક્ટર સાથે મિટિંગ ચાલતી હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં અમે મિટિંગ મૌકુફ રાખીને અહીંયા પહોંચ્યા છે. તંત્રની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને હજી પણ વધુ ટીમો આવી રહી છે. બાળકીને જલ્દી બહાર કાઢવાના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.


ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે અમને જાણ થતાં જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા છીએ. તંત્ર પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. હાલ બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે. બાળકીને બહાર કાઢ્યા બાદ આરોગ્યની પણ તમામ સુવિધા છે. હાલ રાજૂલાથી રોબોટ પહોંચવાની તૈયારી છે. રોબોટની મદદથી બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન જલ્દી થશે.


લાઠીના પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, બાળકી બોરવેલમાં પડ્યાની જાણ થતાં તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. બાળકીને હેમખેમ બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે. બાળકી અંદાજીત 50 ફૂંટ ઊંડે હોવાનું અનુમાન છે. હાલ ઓક્સિજન સપ્લાય ચાલુ છે અને કેમરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રખાઇ રહી છે. રોબોટની પણ મદદ લેવામાં આવી છે. રોબોટ 100 ફૂટ ઊંડે જઇ શકે છે, જ્યારે બાળકી 50 ફૂટ ઊંડે છે. જેથી રોબોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવશે. બાળકી હલન ચલન કરતી હોવાનું જણાઇ આવે છે. બાળકીને બહાર કાઢ્યા બાદ સારવાર માટે આરોગ્ય સહિતની ટીમો ખડેપગે છે.