ગુનો@ગુજરાત: યુવાન ઉપર પિતરાઇ ભાઇઓએ હુમલો કર્યો હોવાનો બનાવ સાંતેજ પોલીસમાં નોંધાયો

 
ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો સામાન્ય બાબતે એકબીજા સાથે ઝગડી પડતા હોય છે. એકબીજાનો જીવ લેવા તૈયાર થઇ જાય છે.  અમદાવાદના યુવાન ઉપર જાસપુર નજીક પિતરાઇ ભાઇઓએ હુમલો કર્યો હોવાનો બનાવ સાંતેજ પોલીસમાં નોંધાયો છે. જમીનના મામલે હુમલો કરી ધમકી આપી હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે જાસપુરના રહેવાસી અને હાલ સોલા સાયન્સ સિટી નજીક રહેતા રાજેશભાઇ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

તા. 25ની રાત્રે તેઓ માતા - પિતા તેમજ દિકરીને સાથે લઇ કારમાં જાસપુરના ગોગા મહારાજના મંદિરે ગયા હતાં. ત્યાંથી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર જાસપુર ધાનજ નર્મદા કેનાલ નજીકથી પસાર થતી વખતે તેમના કાકાના દિકરા પ્રશાંત, નિહાર તથા અલ્પેશ અને અજય કાર લઇને એકાએક તેમની તરફ ધસી આવ્યા હતાં અને તેમની કારને અટકાવી નીચે ઉતરતાની સાથે કહ્યું હતું કે જાસપુર ગામની સીમમાં આવેલી જમીન અંગે શા માટે કેસ કર્યો છે. તેવુ કહેતાની સાથે અપશબ્દો બોલવા લાગ્યા હતા.

જેથી રાજેશભાઇએ પરિવાર સાથે હોઇ ગાળો બોલવાની ના પાડતા તમામ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને પ્રાશાંતે તેની કારમાંથી લાકડાનો ધોકો લઇ હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સો પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે રાજેશભાઇના પિતાજી અને ઘરના સભ્યો વચ્ચે પડી તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારે આ તમામ શખ્સોએ જતા જતા એવી ધમકી આપી હતી કે હવે તુ આ જમીન પર આવીશ તો તારા ટાંટિયા ભાગી નાંખીશુ. આ અંગે રાજેશભાએ હુમલો કરી ધમકી આપનાર ચાર શખ્સો વિરૂધ્ધ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.