તપાસો@ફતેપુરા: ગેરકાયદેસર જગ્યાએ સરકારી કાગળો બનાવતાં વિરૂદ્ધ ધોરણસરની રજૂઆત થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકા પંચાયતને પોતાની પેઢી સમજતાં આકાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અંગત જગ્યાએ સરકારી રેકર્ડ બનાવતાં હતા. સંજોગોવસાત્ આ ષડયંત્રનો ભાંડો વિડિયો મારફતે બહાર પડી જતાં દોડધામ મચી પરંતુ કેટલાક નેતાઓની કૃપાના જોરે ફરી રહ્યા છે. સ્થાનિકોએ રૂબરૂ અને ટેલિફોનિક રીતે તાલુકા પંચાયતને હકીકત જણાવી છતાં કોઈ કાર્યવાહી નહિ થતાં ઉચ્ચ કક્ષાએ અરજી થઈ છે. અરજદારે સમગ્ર મામલે ધોરણસરની રજૂઆત કરી તાત્કાલિક અસરથી ભૌતિક અને ટેકનિકલ સહિતની તપાસની માંગ કરી છે. જેથી ગેરકાયદેસર જગ્યાએ સરકારી રેકર્ડ બનાવતાં નેતાઓનો પણ અસલી ચહેરો બહાર આવે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના કેટલાક સભ્યો અને એક શંકાસ્પદ કોમ્પ્યુટર ઓપરેટર ખાનગી જગ્યાએ ભેગાં મળીને સત્તા બહાર જઈ પંચાયતને પેઢી સમજી કામોના કાગળો તૈયાર બનાવતાં હતા. કામો જમીન ઉપર કર્યા વગર બારોબાર નાણાં ખેંચી લેવાની મન્છાથી આ કાગળો તૈયાર થતાં દરમ્યાન કોઈ મહિલા ત્યાં પહોંચ્યા અને અજાણતાં જ ભાંડો ફૂટી ગયો. આ પછી તાત્કાલિક અસરથી સદર જગ્યાએ તપાસ ટીમ મોકલી અથવા મોકલાવીને રેકર્ડ જોવાને બદલે ટીડીઓ છેક સુધી ચૂપ રહ્યા હતા. વારંવાર મૌખિક રજૂઆતો છતાં ટીડીઓ બારીયાએ ઈરાદાપૂર્વક પોતાના હાથ અધ્ધર રાખ્યા હતા. જોકે વિડિયોમા કાગળો ઉપર રીતસર તાલુકા પંચાયત લખેલું જણાઇ આવતાં માત્ર તપાસ કરીશું એવો શબ્દ બોલી ટીડીઓએ ફોન કર્યો હતો. આથી જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવવા રજૂઆત કરી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી વારંવાર કહે છે કે, પોતે ત્યાં નહોતા પરંતુ જિલ્લા ભાજપા પ્રમુખના ભાઇ બાબુ આમલિયારે જણાવ્યું કે, પ્રમુખ અને કેટલાક તાલુકા સભ્યો પણ ત્યાં હતા. તેઓ નામંજૂર થયેલ કામોને સ્થાને નવા કામો બનાવવા ભેગાં થયાં હશે. જોકે આવી કામગીરી હોય તો પણ તાલુકા પંચાયતમાં થાય કે ખાનગી જગ્યાએ? આ સવાલ પૂછતાં બાબુ આમલિયારે પણ સ્વિકાર્યું કે, તાલુકા પંચાયતમાં થાય. આવી સ્થિતિમાં પણ ટીડીઓ બારીયા તાત્કાલિક અસરથી તપાસ નહિ કરાવતાં જાગૃત નાગરિકે ગાંધીનગર ધોરણસરની ફરિયાદ કરી છે અને જરૂર લાગશે તો ફતેપુરા તાલુકા પંચાયતના હિતમાં પ્રદેશ ભાજપા તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની પણ તૈયારી રાખી છે.