વેપાર@મહેસાણા: 10 દિવસમાં 1 લાખ એરંડાની બોરીની આવકથી માર્કેટયાર્ડ છલકાઈ

 કડી યાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
 
વેપાર@મહેસાણા: 10 દિવસમાં 1 લાખ એરંડાની બોરીની આવકથી  માર્કેટયાર્ડ છલકાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  માર્કેટયાર્ડમાં પાકની વધારે આવક થઇ છે. કડી માર્કેટયાર્ડમાં 12 હજાર બોરી એરંડાની સાથે છેલ્લા 10 જ દિવસમાં એક લાખ બોરીની આવકથી યાર્ડ છલકાઈ ગયું હતું. એરંડાની વધારે આવકને કારણે શુક્રવારે એરંડાની હરાજી યાર્ડ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી.

કડી માર્કેટયાર્ડમાં માલ મૂકવા માટેની વિશાળ જગ્યા તેમજ સવારથી સાંજ સુધીમાં માલની ખુલ્લી હરાજી અને સાચો તોલ કરી માલના પોષણક્ષમ ભાવો સાથે માલનો ઝડપી નિકાલ કરાય છે. રોકડા નાણાંની સુવિધાને લઈ દૂર દૂરથી કડી યાર્ડમાં એરંડા, ડાંગર, ઘઉં, મઠ સહિતના ધાન્ય પાકોના વેચાણ માટે ખેડૂતોમાં કડી યાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

કડી યાર્ડમાં વિરમગામ, દેત્રોજ, સાણંદ, વિઠ્ઠલાપુર, માંડલ, નળકાંઠા વિસ્તાર તેમજ સચાણા, સુરેન્દ્રનગર, લખતર, દહેગામ, માણસા, જોટાણા સુધીના ખેડૂતો માલ વેચાણ માટે આવે છે.

કડી યાર્ડમાં છેલ્લા દશ જ દિવસમાં એરંડાની 97400 બોરીની આવક થઈ છે. ગુરુવારે એક જ દિવસે 12 હજાર બોરી એરંડાની આવક થતાં યાર્ડ છલકાઈ ગયું હતું. એરંડાના છેલ્લા દશ દિવસમાં ભાવમાં રૂ.35ના વધારા સાથે ગુરૂવારે સારા માલના રૂ.1220 સુધી બોલાયાં હતા. જ્યારે નીચામાં રૂ.1190 સુધીના ભાવ પડ્યાં હોવાનું કડી એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.