ગંભીર@શંખેશ્વર: આ ગામનાં લોકો કલેક્ટરના નિર્ણયથી ચોંક્યા, પુરવઠા મામલે ફિલ્મી સ્ટાઈલ જેવો ઘટનાક્રમ
મામલતદાર કચેરી, ત્યારબાદ જિલ્લા પુરવઠા અને આખરે કલેક્ટર સુધી પહોંચેલી ફરિયાદ રસપ્રદ હતી.
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
શંખેશ્વર તાલુકાના ગામમાં ઘણાં સમયથી પુરવઠા હેઠળના સંચાલક મામલે સૌથી મોટી લોક બૂમરાણ છે. શરૂઆતમાં મામલતદાર કચેરી, ત્યારબાદ જિલ્લા પુરવઠા અને આખરે કલેક્ટર સુધી પહોંચેલી ફરિયાદ રસપ્રદ હતી. ગામ લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટરને રૂબરૂમાં મળી સંચાલક વિરુદ્ધ ભ્રષ્ટાચારની વિગતો જણાવી તેના ટૂંક સમયમાં જિલ્લા પુરવઠા અધિકારીએ પરવાનો રદ્ કરતો હુકમ કર્યો હતો. જોકે સરેરાશ 6 મહિનામાં અપીલ કેસમાં પાટણ કલેક્ટરે પરવાનો યથાવત રાખતાં ગામલોકો ચોંકી ઉઠ્યા છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે, જ્યારે સંચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું ત્યારે કુલ 319 માંથી 211 લોકોનાં નિવેદનો હતા એટલે સમજી શકો છો કે, નારાજગીનો લોકજુવાળ કેટલો છે. વાંચો ફિલ્મી સ્ટાઈલ જેવો ઘટનાક્રમ નીચેના ફકરામાં.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના લોકો સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે. ગત એપ્રિલથી મે 2024 દરમ્યાન શરૂ થયેલ લોક આંદોલન ગામથી મામલતદાર કચેરી પહોંચ્યું હતુ. ગામના મોટાભાગના લોકો સંચાલકને ભ્રષ્ટાચારી ગણાવી તંત્રમાં રજૂઆત કરતા રહ્યા કે, સંચાલક બદલી દેવામાં આવે અથવા ન્યાય મળે. મામલો એટલો ગંભીર બની ગયો કે, વારંવારની રજૂઆતોથી ન્યાય નહિ મળતાં શંખેશ્વર મામલતદારે તો હેરાનગતિની ફરિયાદ નોંધાવી દીધી. આ બાજું ફરિયાદથી ડગી જવાને બદલે ગામલોકો છેક પાટણ કલેક્ટર સુધી પહોંચી ગયા હતા. ગત જુન 2024 દરમ્યાન કલેક્ટર સાથે સીધી ફરિયાદ ગામલોકોએ કરતાં ટૂંક જ દિવસમાં સંચાલકનો પરવાનો રદ્ થયો હતો. આથી ગામલોકોને સૌપ્રથમવાર વચગાળાની રાહત મળી ગયો તેવો માહોલ સર્જાયો હતો. હવે સમગ્ર ઘટનામાં ફરીથી મોટો વળાંક આવ્યો છે. વાંચો નીચેના ફકરામાં.
પાટણ જિલ્લા પુરવઠા અધિકારી નિનામાની કોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતાં જે હુકમ થયો તેમાં લખવામાં આવ્યું કે, પિરોજપુરા ગામના રેશનકાર્ડ ધારકો 319 માંથી 211 રેશનકાર્ડ ધારકોના નિવેદનો લેવાયા તે પૈકી ઘઉં અને ચોખાનો જથ્થાના વિતરણમાં ઘટ્ટ જણાઇ આવી હતી. જેમાં સંચાલકનો ખુલાસો પૂછીને જિલ્લા પુરવઠા અધિકારીએ હુકમમાં લખ્યું કે, સંચાલકને 1.81 લાખથી વધુનો દંડ અને કાયમી ધોરણે પરવાનો રદ્ કરવાનું જણાવ્યું હતુ. જોકે કલેક્ટરમાં અપીલનો હક્ક હોવાનું પણ પુરવઠા અધિકારી નિનામાએ કહ્યું હતુ. આ ઘટનાક્રમ પછી સંચાલક હનુજી ઠાકોરે ડી.એસ.ઓના નિર્ણય વિરુદ્ધ પાટણ કલેક્ટરને અપીલ કરતાં અગાઉનો હુકમ રદ્ થયો છે. એટલે કે ફરીથી સંચાલક યથાવત રહ્યા પરંતુ કેસ પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે. આ બાજું ગામલોકોએ જાણ્યું કે, જે સંચાલક વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી લડત ચલાવી હતી તે સંચાલક ફરીથી આવ્યા છે ત્યારે ચોંકી ઉઠ્યા છે. ગામના ચોરે અને ચોટે એક જ વાત છે કે, ખુદ પાટણ કલેક્ટરે રૂબરૂમાં સંચાલકના ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળી તો ફરીથી તે જ સંચાલકને કેમ યથાવત કર્યા? આ બાબતે ગામનાં યુવા આગેવાન વિપુલ ઠાકોરે જણાવ્યું હતું કે, કલેક્ટરના નિર્ણયથી નારાજ હોઈ હવે અમો ગામલોકો પુરવઠા મંત્રીને મળી ફરિયાદ કરીશું.