રિપોર્ટ@નવસારી: પોતાના પુત્રની હત્યા કરનાર આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાંજ હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાનજ પુત્રની હત્યા કરી નાખી છે. પોલીસ દ્વ્રારા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. નવસારી ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતો સંજય બારીયા 31મી મેના રોજ ઘરે જમીને તેના પુત્ર વંશને લઇ ટ્રાફિક બ્રિગેડ ભવનમાં બપોરે 2.58 વાગ્યે આવ્યો હતો અને ત્યાંથી ઘરે ગયો ન હતો. જેથી તેની પત્નીએ પુત્ર વંશ અને પિતા સંજય બારીયા ગુમ થયાનું પોલીસમાં જણાવ્યું હતું. સંજય બારીયા પોલીસ પરિવારના સભ્ય હોવાથી સંજય અને વંશની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. તે શનિવારે 5 વાગ્યા સુધી ચાલી હતી. પણ કોઇ પત્તો મળ્યો નહોતો.
આ બાદ તા. 1 જૂનનાં રોજ બપોરે 3.40 વાગ્યે ગુમ સંજયનો પત્ની ઉપર ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, 'વંશને જોવો હોય તો ટ્રાફિક બ્રિગેડનાં ગોડાઉનમાં છે.' જેને પગલે તરત પત્નીએ પોલીસમાં જાણ કરી અને પોલીસે તાળુંતોડી ગોડાઉનમાં ગઇ હતી. જ્યાં વંશનાં મોઢામાંથી સફેદ ફીણ નીકળતું હતું અને પીળા રંગની પ્લાસ્ટિકની દોરી વડે વંશનું ગળું દબાવેલી હાલતમાં વંશ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે હત્યાની નોંધ કરી આરોપી પિતાને ઝડપી પાડવા અલગ અલગ 7 ટીમો બનાવી હતી. ગતરોજ પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના ગામ નજીક છે અને આત્મહત્યા કરવાની તૈયારી કરી રહ્યો છે. જેથી પોલીસે આરોપી આત્મહત્યા કરે એ પહેલાં ઝડપી લીધો હતો.
પોલીસની 7 ટીમો આરોપીની શોધખોળ કરી રહી હતી. જેમને બાતમી મળી હતી કે, આ આરોપી પોતાના ગામ નજીક છે. જેથી પોલીસની એક ટીમ સંજયના વતન લુણાવાડાના રામાવાટા ગામ જવા રવાના થઇ હતી. જેમાં આરોપીના ગામ જવાના રાસ્તા પર વેરણીયા ચોકડી પાસે આરોપી સંજય ટ્રક નીચે પડતું મૂકીને આત્મહત્યા કરવાની ફિરાકમાં ઉભો હતો અને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેથી પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી, તેને નવસારી લાવી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો.
આરોપીને ઝડપીને પોલીસે પુછપરછ કરી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આરોપીએ પોલીસ આગળ ઘટસ્ફોટ જ એવા કર્યા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, પોતે પોતાના ઘરકંકાસથી લાંબા સમયથી કંટાળી ગયો હતો જેથી તે ત્રણેક મહિનાથી આત્મહત્યા કરવાનું વિચારતો હતો. પરંતુ પોતાના મર્યા બાદ પોતાના પુત્રનું શું થશે? તે વિચાર કરી તે પ્લાન રદ કરી દેતો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી તેણે પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી લેવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીએ જણાવ્યું કે, 29 મેના તે પોતાના દીકરાને લઈને દાંડી ગયો હતો, જ્યાં એકાંતમાં પોતાના પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લે એવો પ્લાન બનાવ્યો હતો, પરંતુ દાંડીનો દરિયો હવામાન વિભાગની આગાહીને પગલે બંધ હોવાથી તે શક્ય થઈ શક્યું નહીં. આ બાદ 30મી મેના રોજ પોતે પોતાના પુત્રને લઇને ટ્રાફિક ભવનમાં ગયો હતો જ્યાં હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે દિવસે કચેરીમાં લોકોની અવરજવર વધુ હોવાથી પ્લાન શક્ય થઈ શક્યો નહીં. જેણી તેણે 31મીએ પ્લાન ઘડી પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી લાશને ગોડાઉનમાં સંતાડીને ત્યાંથી ભાગી છુટ્યો હતો.
આરોપીએ પોલીસને જણાવ્યું કે, આ બાદ પોતે ભાંગી પડ્યો હતો એને શું કરવું એ કંઇ સમજાતું નહોતું જેથી તેણે તેના ગામ જઇને આત્મહત્યા કરી જીવન ટુંકાવી લેવાનું નક્કી કર્યું હતું અને પોતે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. ટ્રાફિક ભવનથી ભાગીને પોતે બસ સ્ટેન્ડ ગયો હતો અને ત્યાંથી તેણે પત્નીને ફોન કરીને 'વંશ ટ્રાફિક ભવનના ગોડાઉનમાં છે અને મારી ચિંતા કરતી નહીં' બસ આટલું જ કહીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પત્નીને ફોન કર્યા બાદ આરોપી નવસારીથી બીલીમોરા પહોંચ્યો હતો અને ત્યાંથી બસમાં બેસી પોતાના વતન લુણાવાડા જવા રવાના થયો હતો અને લુણાવાડા નજીક પહોંચીને પોતે પોતાના પિતાન ફોન કરી ગામથી નજીક હોવાનું જણાવીને ફોન ફરીથી બંધ કરી દીધો હતો. આ બાદ પોતે આત્મહત્યા કરે એ પહેલાં જ પોલીસે એને ઝડપી લીધો હોવાની કબૂલાત આરોપી સંજયે પોલીસ આગળ કરી હતી.