દુ:ખદ@રાજકોટ : પરિણીતાનું જન્મદિવસે જ મૃત્યુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અત્યંત ચોંકાવનારો આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજકાલ હાર્ટ અટેકની ઘટનાઓ વધી ગઈ છે.નાના હોય કે મોટા બધા લોકોને હાર્ટએટેક આવતી હોય છે.પાછલા થોડા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવી ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરમાં એક ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં 36 વર્ષીય પરિણીતાનો જન્મદિવસ જ તેનો મરણદિવસ બન્યો તેવી ઘટના સામે આવી છે. પરિણીતાનું તેના જન્મદિવસે જ મોત નિપજ્યું હતું.ખુશીનો દિવસ માતમમાં ફેરવાઇ ગયો: રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતી અને સૌરાષ્ટ્રના ખ્યાત નામ ડીજે ધર્મેશ ઉર્ફે ડીજે અકી રાઠોડના પત્ની નિશિતા રાઠોડ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં.તેમની બંને દીકરીઓ પણ માનો જન્મદિવસ હોવાથી ખૂબ જ ખુશ હતી. પરિવારમાં ખુશીઓનો માહોલ હતો પરંતુ આ ખુશીનો દિવસ માતમમાં બદલાઇ જશે તેવો કોઇને ક્યાં ખ્યાલ હશે.બપોરના રોજ નિશિતા પોતાના ઘરે રસોઈ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઇ જતાં ચકચાર મચી હતી અને તેમને તાત્કાલિક અસરથી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું.ગર્ભાશયની કોથળી ફાટી જતાં પરિણીતાનું મોત: સમગ્ર મામલે પોલીસને જાણ થતા મૃતદેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં પરિણીતાની ગર્ભાશયની કોથળી ફાટી જતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિણીતાને સંતાનમાં બાર વરસ અને સાત વર્ષની બે પુત્રી છે. ત્યારે નાની ઉંમરમાં જ બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.રાજ્યમાં વધ્યા નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા: ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના લાલ બહાદુર શાસ્ત્રી હાઇસ્કુલ ખાતે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનું એકમ કસોટી શાળા શરૂ થાય તે પૂર્વે જ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થવા પામી હતી.વિદ્યાર્થીને બેભાન હાલતમાં હાઈસ્કૂલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ઈમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર રહેલા તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના પિતા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું હતું.