વેપાર@રાજકોટ: બજારમાં સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2600ની સપાટી કુદાવી

સિંગતેલ અને ખાદ્ય તેલના ભાવમાં વધઘટ રહેશે 
 
વેપાર@રાજકોટ: બજારમાં સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2600ની સપાટી કુદાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બજારના ભાવમાં તેજી અને મંદી આવતી જ હોય છે.  રાજકોટમાં તેલ બજારમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. મુખ્ય તેલ અને સાઈડ તેલ બન્નેમાં તેજી રહી હતી. સૌથી વધુ પામોલીન તેલના ભાવમાં રૂ.30નો વધારો થયો હતો. જ્યારે સિંગતેલના ડબ્બાએ રૂ.2600ની સપાટી કુદાવી હતી. કપાસિયા તેલના ભાવમાં રૂ.15નો વધારો થયો હતો અને આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1715 બોલાયો હતો. સતત બીજા દિવસે ખાદ્ય તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે સિંગતેલ લુઝમાં 1500ના ભાવે સોદા પડ્યા હતા. હજુ એક સપ્તાહ સિંગતેલ અને ખાદ્ય તેલના ભાવમાં વધઘટ રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

હાલ યાર્ડમાં મરચાં, ધાણા, જીરું, ઘઉંની આવક શરૂ થઈ છે. જ્યારે મગફળીની આવક ઓછી નોંધાઈ રહી છે. જોકે એક્સપોર્ટમાં સીંગદાણાની ડિમાન્ડ યથાવત્ છે. જેને કારણે જે મગફળીની આવક થાય છે. તે સીંગદાણા માટે ખરીદાઈ જતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. યાર્ડમાં મે મહિનાના અંત સુધી મસાલાની સિઝન ચાલુ રહેશે.

હાલ રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, ચોટીલા, હળવદ, પડધરી,ભાવનગર, જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો યાર્ડમાં પોતાની જણસી લઈને આવી રહ્યા છે.ગત સપ્તાહે માર્ચ એન્ડિંગને કારણે યાર્ડમાં 10 દિવસની રજા હતી. સોમવારથી યાર્ડમાં રાબેતા મુજબ આવક શરૂ થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો આવતા યાર્ડમાં રાત્રે જ જણસીની આવક ઉતારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.