વરસાદ@ગુજરાત: વડોદરામાં ક્યાંક છૂટાછવાયો તો ક્યાંક તોફાની વરસાદ વરસ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતાં. તો પાદરા પંથકમાં તોફાની વરસાદ વરસ્યો હતો. 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો નદીઓમાં ફેરવાયા અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જોકે ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સવારથી વરસાદી વાદળોનો જમાવડો હતો. જેના પગલે શરૂ થયેલા અસહ્ય ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરે વડોદરા શહેરના ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ, દાંડિયાબજાર, સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો અનેક વિસ્તાર કોરાકટ રહ્યા હતા. શહેરમાં મેઘો મન મૂકીને ન વરસતા શહેરમાં પુનઃ ઉકળાટ શરૂ થઇ ગયો હતો. જોકે વરસાદી વાદળોની આવનજાવન યથાવત રહી હતી.
મેઘરાજાએ જિલ્લાના પાદરા તાલુકાના પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં ધબધબાટી બોલાવી હતી. અડધો કલાકમાં 1 ઇંચ (30મીમી) જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. બપોરના સમયે ધોધમાર વરસાદ પડયો હતો. ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી હતી. પાદરા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમીનું પ્રમાણ વધી ગયું હતું.
આજે વહેલી સવારથી પાદરા પંથકમાં આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જોકે ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે પાદરા વડુ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને સીઝનનો પ્રથમ વરસાદને અનુભવાયો હતો.
સતત એક કલાક સુધી વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે પાણી પાણી થઇ જતા અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ટુ વ્હીલર ચાલકોને વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. સવારથી વરસાદી વાદળોની ફોજ પાદરાના માથે આવી પહોંચી હતી. અને છૂટો છવાયો વરસાદ પડીને બંધ થઈ જતો હતો અને બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો.