રિપોર્ટ@મહેસાણા: નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી
ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.
કડી તાલુકા અને શહેરી વિસ્તારમાંથી 40 કિલોમીટરથી પણ વધુ નર્મદા કેનાલનો ભાગ જઈ રહ્યો છે તેમજ કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં વાય જંકશન આવેલું છે. એક વિભાગ કચ્છ તરફ જઈ રહ્યો છે તેમજ બીજો વિભાગ સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે. અનેકવાર મુખ્ય નર્મદા કેનાલોમાંથી મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર વાય જકશન નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવતાં ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
કડી તાલુકાના કરણનગર જંકશનમાં અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. કલોલ જાસપુર તરફથી અજાણ્યા યુવકની લાશ તણાઈને કડી તાલુકાના કરણનગર વાય જકશન તરફ આવી રહી હતી. જે દરમિયાન રાહદારીઓને જોવા મળતાં રાહદારીઓ દ્વારા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસને જાણ કરાતાં કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી તેમજ પરિવારજનોની શોધ ખોળ હાથ ધરી હતી.