રિપોર્ટ@મોરબી: ડામર રોડના બિલમાં અભિપ્રાય આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા 2 લાખની લાંચ માંગી

 લાંચરૂપી ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો
 
રિપોર્ટ@ગુજરાત: ડામર રોડના બિલમાં અભિપ્રાય આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા 2 લાખની લાંચ  માંગી

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક 

ફરી એકવાર મોરબીમાં લાંચરૂપી ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયરે કોન્ટ્રાક્ટરને ડામર રોડના બિલમાં અભિપ્રાય આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા બે લાખની લાંચ આંગડિયા પેઢી મારફત માંગી હતી.

જેને પગલે મોરબી એ.સી.બી.પોલીસે છટકું ગોઠવ્યું હતું. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગતો અનુસાર ફરિયાદી ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજના ના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર,નવાગામ,મેધપર,દેરાળા થી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હતા.જે કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલ્યું હતું.બીલની ફાઇલ આરોપી મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ ખાતે આસીસ્ટન્ટ એન્જીનિયરના પદ પર ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલમા ઉમંગભાઇએ અભિપ્રાય નહી આપતા ફરિયાદીએ તેમનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. એ વખતે ઉમંગભાઇએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરી હતી. જે બીલની રકમ મુજબ ફરીયાદીએ રૂ.૨,૫૫,૦૦૦ આપવાના થતા હતા. જે પૈકી રૂ.૨,૦૦,૦૦૦ તા.૨૩ ડિસેમ્બરના રોજ આપવાનું નક્કી થયું હતું

સમગ્ર મામલે ફરિયાદીએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ફરિયાદીએ આરોપી ઉમંગભાઈનો સંપર્ક કરતા તેણે મોરબીની કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂ.૨ લાખ મોડાસા મોકલી આપવાનું જણાવ્યું હતું.જેને પગલે એ.સી.બી. પોલીસે આજે તા.૨૩ ડિસેમ્બરના રોજ પી.એમ. આંગડીયા પેઢીની ઓફીસ, નવા ડેલા રોડ, ધરતી ટાવર, બેંક ઓફ બરોડાની પાછળ છટકું ગોઠવ્યું હતું. જેથી ફરિયાદીએ પી.એમ.આંગડીયા પેઢીમા જઇ આરોપી ઉમંગભાઈ સાથે વાત કરતા ઉમંગભાઈએ ફરિયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારી સાથે હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ આરોપીની સૂચના મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપી હતી. જેની સ્લીપ લખી આપતા એ.સી.બી. પોલીસે મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી હતી અને હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં મોરબી એ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા અને રાજકોટ એ.સી.બી. પોલીસના મદદનીશ નિયામક વી.કે. પંડ્યા જોડાયેલા હતા.