રિપોર્ટ@અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરનું ભરતી કૌભાંડ સામે આવ્યું

ભરતી પ્રક્રિયા અંગેની તપાસ માટે ત્રણ કોમ્પ્યુટર અને ભરતીના હાર્ડ કોપી અને સોફ્ટ કોપીના ડેટા મેળવવામાં આવ્યા હતા.
 
રિપોર્ટ@અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરનું ભરતી કૌભાંડ સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડો સામે આવતા હોય છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરનું ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ભરતી પરીક્ષામાં ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં ફરેફરા કરી ગેરકાયદેસર રીતે નોકરી અપાવવામાં આવી હતી, ત્યારે આ મામલે કારંજ પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસમાં સેન્ટ્રલ ઓફિસ વિભાગના ઇન્ટરવ્યૂ બ્રાન્ચમાં આરોપી હેડ ક્લાર્ક પુલકિત વ્યાસને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.

ભરતી પ્રક્રિયા અંગેની તપાસ માટે ત્રણ કોમ્પ્યુટર અને ભરતીના હાર્ડ કોપી અને સોફ્ટ કોપીના ડેટા મેળવવામાં આવ્યા હતા. અમદાવાદની તમન્ના પટેલના OMR શીટ અને ફાઈનલ માર્ક્સમાં ફેરફાર હોવા અંગેની અરજી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક આરોપી પુલકિત વ્યાસ દ્વારા ત્રણેય ઉમેદવારોનો કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ શું કોઇ નાણાકીય લેવડ દેવડ કરી હતી કે અન્ય કોઇ સંબંધમાં તેમનામાં માર્ક્સમાં વધારો કરીને નોકરીમાં નિમણૂક થાય તેમ ગોઠવણ કરી હતી તે અંગે કોઇ માહિતી બહાર પાડવામાં આવી રહી નથી. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બંને હજી આ મામલે તપાસ ચાલી રહી છે તેમ જણાવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર ખાતામાં 93 સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયા મામલે થયેલા કૌભાંડમાં આરોપી પુલકિત વ્યાસની કારંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝોન 2 ડીસીપી ભરત રાઠોડએ જણાવ્યું હતું કે, પરીક્ષા 18 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થઈ હતી અને 5,000થી વધુ લોકોએ પરીક્ષા આપી હતી જેની OMR શીટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. જે શીટ અપલોડ કર્યા બાદ 359 જેટલા લોકોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. OMR શીટ અને જે માર્ક અપલોડ કરવામાં આવ્યા હતા તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

મળી ત્રણ ઉમેદવારોના માર્કસમાં ચેડા કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનને એક ઉમેદવાર તરફથી અરજી મળી હતી કે, તેમના ઓએમઆર શીટના માર્ક અને જે ફાઇનલ માર્ક છે તેમાં ફેરફાર છે જેથી કોર્પોરેશન દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને તમામ તપાસ બાદ ત્રણ માર્કસમાં ફેરફાર થયો હોવા અંગેનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી હેડ ક્લાર્ક પુલકિત વ્યાસે ત્રણે ઉમેદવારો પાસેથી પૈસાથી કે અન્ય કોઈ સંબંધથી આ માર્ક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ તે અંગેની હજી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે, હજી પૂછપરછ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય કોઈની સંડોવણી હતી કે, કેમ તે અંગેની તમામ બાબતો બહાર આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપી ઉલકિત વ્યાસ અને ત્રણેય ઉમેદવારોના નિવેદન અને પૂછપરછ કરવામાં આવશે જે પૂછપરછ બાદ સમગ્ર બાબત સામે આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને કર્મચારીઓના પણ નિવેદન લેવાની પ્રક્રિયા કરવામાં આવશે. કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક તેમજ હાર્ડ કોપી સહિતના ડેટા મેળવવામાં આવ્યા છે. 5000 જેટલા ડેટા અને વેરીફાઇ કરવામાં આવશે.