રિપોર્ટ@કચ્છ: 5 દિવસમાં 14 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચાંદીપુરા બાદ નવી બીમારીનો પ્રવેશ થયો છે. રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 5 દિવસમાં 14 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તાવ, શરદી-ઉધરસ ને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટિ ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે. ગણતરીના દિવસોમાં જ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભેખડા, સાંધ્રો, મોરનગર, બેડી, ભારાવાન, વાલાવારી અને લાખાપર ગામોમાં આ ગંભીર બીમારીના કેસ જોવા મળી રહ્યા છે. તાવ, શરદી-ઉધરસ થયા બાદ ટૂંકી સારવારના અંતે મૃત્યુ થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મોટાભાગના મૃત્યુ એક જ કોમ્યુનિટીના થયાં છે. મામલાની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે બન્ને તાલુકાનાં અસરગ્રસ્ત ગામોમાં ટીમો ઉતારી છે અને ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે. ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે તો રાજકોટથી આવેલી ખાસ રેપિડ રિસ્પોન્સ ટીમે પણ દયાપર ખાતે યોગ્ય સારવાર માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ગામોમાં દવા છંટકાવ, સર્વે અને જ્યાં જરૂર જણાય ત્યાં બ્લડ સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે.
જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી કેશવકુમાર સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મોટાભાગના રિપોર્ટ દયાપર ખાતે જ કરાઈ રહ્યા છે. જ્યારે શંકાસ્પદ H1H2નાં સેમ્પલ અમદાવાદ અને કોંગો ફીવરના સેમ્પલ પુના મોકલવામાં આવ્યાં છે. આ તમામ રિપોર્ટના આધારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેની માહિતી ગાંધીનગર કચેરીએ મોકલવામાં આવે છે.
જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી કેશવકુમારે વધુમાં જણાવ્યું કે, હાલ લખપત અને અબડાસા તાલુકાના કુલ 6 અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની 27 ટીમ દ્વારા પરિજનોનાં બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમમાં રાજકોટ, ભુજની અદાણી સહિતની ટીમ સામેલ છે. ગઈકાલે કરેલી તપાસ દરમિયાન 27 લોકોનાં બ્લડ સેમ્પલ લેવાયાં હતાં, તેમાં ડેન્ગ્યુ 1, સિઝનલ ફીવર 1 અને ઝેરી મલેરિયાના 2 દર્દી રિપોર્ટમાં પોઝિટિવ જણાઈ આવ્યા હતા, તે તમામની હાલ લખપતના વડામથક દયાપર ખાતે સારવાર ચાલી રહી છે. તમામ દર્દી અલગ અલગ બીમારી ધરાવે છે.
વધુમાં જણાવ્યું કે, જે 14નાં મૃત્યુ થવાની વાત છે તેમાં હતભાગી દર્દીઓના તબીબી તપાસ રિપોર્ટના આધારે મૃત્યુનાં કારણમાં 2 દર્દી હૃદય હુમલામાં, 1 બ્રેન સ્ટ્રોકમાં અને 1 દર્દીનું કેન્સરમાં મૃત્યુ થયું હતું. બાકી રહેતા 10મા બે દર્દી લાંબી શ્વાસની બીમારીથી ગ્રસિત હતા. અલબત્ત લખપત તાલુકાનાં 4 ગામ અસરગ્રસ્ત છે, તેમાં ભેખડા, મેડી, સાંધરો અને મોરગર જ્યારે અબડાસાનાં બે ગામ છે તેમાં ભારા વાંઢ અને વેળી વાંઢ. આ તમામ છ ગામોમાં આરોગ્ય ટીમ દ્વારા લોકોને સ્વાસ્થ્ય જાળવણી અંતર્ગત માર્ગદર્શન તેમજ લોકોનું નિદાન કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યું, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેના પગલે જિલ્લાના 13 નાગરિકોનું અવસાન થયું હતું. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં તા.4 સપ્ટેમ્બરના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી. મંત્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગની 27 ટીમો યુદ્ધના ધોરણે ‘હાઉસ ટુ હાઉસ સર્વે’નું કામ કરી 318 ઘરો પૈકી 2234 લોકોનું આરોગ્ય લક્ષી સ્ક્રીનીંગ કર્યું હતું. જેમાં 48 જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા. તાલુકામાં દરેક તાવના દર્દીઓનો મલેરિયા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જેમાં બે દર્દીઓ ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલા હતા અને એક દર્દી ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, તંત્ર દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ દરમ્યાન એન્ટી લારવલ એક્ટીવીટી તેમજ 1955 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમીક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ. મેડીકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મરણ પામેલ અને આજુ બાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓના વધુ તપાસ માટે લોહીના અને ગળા/નાક ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, તા. 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટ અને અદાણી મેડીકલ કોલેજની ટીમ દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ સાથે થયેલ કામગીરીની અને વધુ કાર્યવાહી કરવા માટે બેઠક કરવામાં આવી હતી. અદાણી મેડીકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા કરેલ ઇન્વેસ્ટીગેશન કેસોનું બ્લડ સેમ્પલ. સીઝનલ ફલુ, કોવીડ-19 અને બ્લડ સીરમ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં 11 દર્દી પૈકી એક દર્દી સિઝનલ ફલુ ( H3N2)પોઝિટિવ આવ્યો હતો. તેમજ તમામ 11 સેમ્પલ કોવિડ-19 નેગટીવ આવ્યા હતા. જે સેમ્પલ મેડીકલ કોલેજ રાજકોટ, ICMR NIV Pune ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મેલેરિયા ડેન્ગ્યુ અને સિઝનલ ફલુ પોઝિટિવ આવેલ તમામ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે. લખપત અને અબડાસાના 6 ગામોમાં આલ્ફા સાઈફરમેથરીન IRS અને મેલેથિયન છંટકાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ ગામોની શાળાઓમાં મેડિકલ ઓફિસરની ટીમો દ્વારા વિઝીટ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓફિસની ટીમ દ્વારા ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સધન સર્વલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. સીઝનલ ફલુ અને મેલેરિયાની તમામ દવાઓ અને લોજીસ્ટીક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુ ટીમ માટે અન્ય તાલુકા માંથી પણ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની પ્રતિનિયુક્તિ કરવામાં આવી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજથી ચાર દિવસ પહેલાં મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું, જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી. લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયાં હતાં કે, તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું હતું, જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ કોઈએ ગંભીરતાથી નહીં લેવાના કારણે ગણતરીના દિવસોમાં જ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભેખડા, સાંધ્રો, મોરનગર, બેડી, ભારાવાન, વાલાવારી અને લાખાપર ગામોમાં 14 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માણસના જીવનથી વધારે કીમતી બીજું કશું જ ન હોઈ શકે. દુઃખ એ વાતનું છે કે, ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલ્યું નથી. એકપણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપત તાલુકાના આ ગામોની મુલાકાત લીધી નથી. સરકારે ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરો મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. ચોખ્ખું પીવાનું પાણી પણ હજી ત્યાં પહોંચી નથી રહ્યું, મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે, જે પાઇપલાઇનમાં પાણી આવે છે તે પાણી પણ પીવાલાયક નથી, લોકો અશુદ્ધ અને ડહોળું પાણી પીવા મજબૂર બન્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ આયુષ ડોક્ટરો છે, એલોપથીના નિષ્ણાત ડોક્ટરોની જગ્યા ત્યાં ભરવામાં આવતી નથી. તાલુકાનું સીએચસી કેન્દ્ર છે ત્યાં પણ માત્ર એક ડોક્ટર છે. લોકોના જાનમાલ અને આરોગ્યના રક્ષણની જવાબદારી સરકારની છે, આ પ્રકારની બેદરકારી ન ચાલે. તાત્કાલિક જવાબદાર અને સિનિયર અધિકારીઓને સ્થળ પર મોકલવા જોઈએ અને પરિસ્થિતિને કાબૂમાં લેવી જોઈએ. લોકોને તાવ આવે, શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય, શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસોનાં મલ્ટિ ઓર્ગન ફેલ્યોર થાય છે. યુવાનોના મૃત્યુ થાય છે, નાનાં બાળકોનાં મૃત્યુ થાય છે, ત્યારે આમાં બેદરકારી ન ચાલે.
લખપત તાલુકાનાં આ ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે, આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ દરેક ગામોમાં પહોંચે, શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, મચ્છરોના ઉપદ્રવને અને રોગચાળાને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવે તેવી વિનંતી પણ શક્તિસિંહ ગોહિલે સરકારને કરી હતી.
બીજી તરફ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જે વાઇરસના નામે બીમારી બતાવાઈ રહી છે તે અત્યાર સુધી ક્યાંય સાબિત થતી હોય એવું કોઈ સ્થળે જણાયું નથી, પરંતુ થોડા દિવસમાં વધુ મૃત્યુ જે થયાં છે તે અલગ અલગ બીમારીમાં થયાં છે, બાકી તાવ આવ્યા બાદ અલગ અલગ સ્થળે સારવાર લીધા બાદ થયેલાં મૃત્યુ એક જ કોમ્યુનિટીના લોકોમાં જણાઈ આવ્યાં છે. આ તમામ મામલે રાજ્ય, જિલ્લા અને તાલુકાની આરોગ્ય ટીમ ખડેપગે કામે લાગી છે.
વધુમાં જણાવ્યું કે, અબડાસા અને લખપતનાં જે ગામે મૃત્યુ નોંધાયાં છે તે ગામની દરેક ગલીઓમાં દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. લોકોને સ્વાસ્થ્ય જાળવણી માટે ઉકાળેલું પાણી પીવા, રાત્રે ઠંડા ભોજનના બદલે ગરમ ખોરાક લેવા અને તાવ જેવું જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો કે તબીબનો સંપર્ક કરવા માટે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજકોટની ટીમ પણ આવી પહોંચી છે અને દયાપર ઓપીડી સારવારમાં મદદરૂપ બની છે.
આ ઉપરાંત ધારાસભ્યએ જણાવ્યું કે, વાસ્તવમાં જે જે ઘરે મૃત્યુ નોંધાયાં છે તે તમામ ઘરે જઈ મેં રૂબરૂમાં પરિવારને સાંત્વના આપી છે, તેમાં કેટલાક લોકો કેન્સર અને જૂની ટીબીના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ક્યાંક એક જ ઘરમાં 20 થી 25 લોકો સાથે રહે છે, જો ચેપી રોગ હોય તો અત્યાર સુધીમાં અન્ય સભ્યોમાં પણ રોગ ફેલાઈ ગયો હોય. વધુમાં કહ્યું હતું કે, બની શકે ઠંડા પવન સાથે પડેલા ભારે વરસાદમાં માલધારી લોકો પલળતા તાવ ઘર કરી ગયો હોય. છતાં રાજ્ય અને જિલ્લાતંત્ર ગંભીરતાપૂર્વક આ મામલે તમામ પ્રયાસો કરી રહી છે. દરેક જીવ મહત્ત્વનો છે.
વધુમાં ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે, ટૂંકી બીમારીમાં મૃત્યુ થયા હોવાની વાત ખોટી છે. સ્થાનિકના અમુક સમાજના લોકોને તાવ આવે એટલે પહેલા કાળી ચા પીવે, ફરક ના પડે તો દવા ખાઈ લે અને ત્યારબાદ દવાખાને જતા હોય છે. હાલમાં જે મરણ થયાં છે, તેમાં કેટલાક લોકોએ પહેલા સ્થાનિકે ખાનગી દવા લીધી પછી નલિયા ગયા અને ત્યારબાદ ભુજની હોસ્પિટલમાં દાખલ થયા. તાવ આવ્યા બાદ બીજા કે ત્રીજા દિવસે મરણ થયું હોય એવું નથી. અબડાસા ગામની મહિલાનું મૃત્યુ થયું તેમના ઘરે મળવા ગયો હતો. ખબર પડી તેમણે ઓક્સિજન લગાવવાની હોસ્પિટલમાં ના કહી હતી. લોકો સારવાર સમયે પણ હોસ્પિટલમાં સહકાર આપતા હોતા નથી. એક સ્થળે તો તબીબ બહાર જતા દર્દીએ જાતે જ ઓક્સિજન નિકાળી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. તો મરણ થયા બાદ પોસ્ટમોર્ટમ પણ કરાવવું જોઈએ તો રિપોર્ટમાં ખ્યાલ આવે કે કઈ રીતે અને શા કારણે મૃત્યુ થયું છે.