રીપોર્ટ@નડીયાદ: ભવ્ય સ્પોર્ટ્સ સંકુલમાં કોચની પારદર્શક કામગીરી સામે ગંભીર સવાલોની બૂમરાણ

નડીયાદ ખાતે ભવ્ય અને આધુનિક કક્ષાના રમતગમત સંકુલમાં ખૂબ મહેનત કરી રમતવીરો તૈયાર થાય છે. 
 
રીપોર્ટ@નડીયાદ: ભવ્ય સ્પોર્ટ્સ સંકુલમાં કોચની પારદર્શક કામગીરી સામે ગંભીર સવાલોની બૂમરાણ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાના વડા મથક નડીયાદ ખાતે ભવ્ય અને આધુનિક કક્ષાના રમતગમત સંકુલમાં ખૂબ મહેનત કરી રમતવીરો તૈયાર થાય છે. અહીં આઉટસોર્સિંગના અનેક કર્મચારીઓ પૈકી કેટલાક કાગળ ઉપર બતાવી તેઓની હાજરીમાં ગેરરીતિ થતી હોવાની બૂમરાણ મચી છે. એજન્સી/કરારી હેઠળ સરકારે લીધેલા અનેક માણસો પૈકી 10થી વધુ ફરજ ઉપર નહિ આવતાં છતાં ફરજમાં બતાવી/ગણી ગેરકાયદેસર ખર્ચ કરી/કરાવી, આંખ આડા કાન કરી/ક્રોસ ચેકીંગ નહિ કરી રમતગમત વિભાગને નુકસાન પહોંચાડ્યું હોવાની બૂમરાણ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

નડીયાદ ખાતે રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળનું સરસ રમતગમત સંકુલ આવેલું છે. અહીંના નાણાંકીય પારદર્શક વહીવટ મામલે છેલ્લા કેટલાક વર્ષોથી સવાલો, બૂમરાણ અને ગંભીર આશંકાઓ ઉભી થઇ રહેલી છે. અહીંના કોચ છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવી રહ્યા અને ઉપર સુધી પરિચય હોવાની વાતો વચ્ચે આઉટસોર્સિંગ સેવાઓના ખર્ચ અને ભોજન ખર્ચમાં સરકારના હિતમાં મુદ્દાઓ ઉભા થયા છે. આઉટસોર્સિંગના અનેક માણસો અહીં સેવાઓ આપે છે ત્યારે કેટલાક માણસો માત્ર કાગળ ઉપર હોવાની આશંકા વ્યક્ત થઈ તેમાં એવું કહેવામાં આવી રહ્યું કે, છેલ્લા 3 વર્ષના તમામ માણસોને જો વિભાગના સચિવ સરકારના હિતમાં વિશ્વાસ અપાવી રૂબરૂમાં પૂછે તો મોટો ખુલાસો થાય તેમ છે. આ સાથે ભૂતકાળના તમામ ઠેકેદારોને પણ સરકારના હિતમાં પૂછવામાં આવે તો ટકાવારી/કટકી/લેવડદેવડનો ભાંડો ફૂટી શકે તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિભાગના અધિકારીઓની એક સ્પેશ્યલ ટીમ અહીં સતત 7 દિવસ અલગ અલગ સમયે અને અલગ અલગ મહિને વોચ ગોઠવે તો પણ સરકારના હિતમાં મોટું કદમ ઉઠાવ્યું હોવાનું ગણાઈ શકે છે. પારદર્શકતાની આ સ્પષ્ટતાની અસર ખૂબ લાંબાં ગાળાની તેમજ અનેક સ્થળે આવી શકે તેમ હોઈ વિભાગની ટીમ તાત્કાલિક અસરથી તપાસમાં ઉતરે તે ખૂબ અગત્યનું હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.