રિપોર્ટ@ગુજરાત: ‘રેસિડેન્સ ડોક્ટર્સ હડતાળ કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી’ કરવાની ધમકી

 JDAનો આક્ષેપ- હડતાળ બંધ કરાવવા પ્રોફેસરની નાપાસ અને સસ્પેન્ડ કરવાની ધમકી

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં રેસિડેન્સ ડોક્ટર્સ દ્વારા હડતાળ ચાલુ છે. હડતાળ આખા ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ ચાલી રહી છે. તેને રોકવા માટે બીજે મેડિકલ કોલેજના ડીને આજે હડતાળ કરાશે, તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, હડતાળ મામલે ડીને શાહીબાગ પોલીસને જાણ કરી છે. જ્યારે ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનનો આક્ષેપ છે કે, તેમને નાપાસ કરવા તથા સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ રહી છે. સાથે પ્રતાડિત કરાતા હોવાની આક્ષેપ કરીને કહ્યું કે, અધ્યાપકો દ્વારા સર્જરી ના શીખવવી, થિસિસમાં સહી ના કરવી, પરીક્ષામાં નાપાસ કરવા તેમજ સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.


બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદના જુનિયર ડોક્ટરો સરકારના 20% સ્ટાઈપેન્ડના વધારા તેમજ 5 વર્ષ સુધીના ફીકસેશનનો સખ્ત રીતે વિરોધ કરતાં સંપૂર્ણ હડતાળનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છીએ. અમારી મુખ્ય માંગોમાં આરોગ્યમંત્રીના ઠોસ આશ્વાસન મુજબ ના સ્ટાઈપેન્ડ વધારા ઉપરાંત આવનાર દર વર્ષથી સ્ટાઈપેન્ડમાં મોંઘવારી અનુસાર વધારા માટે એક ફિક્સ પોલિસીનો અમલ કરવામાં આવે. દિવસે દિવસે વધતી મોંઘવારી, મેડિકલ કોલેજોના અસહ્ય ફી વધારા જેવા પરિબળો અમારી માંગણીઓની યોગ્યતા પુરાવે છે. અમે સમગ્ર ગુજરાતના જુનિયર ડૉક્ટરોના સહયોગથી અમારી લડત ચાલુ રાખવા કટિબદ્ધ છીએ.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. ડોક્ટરોની હડતાળ માત્ર અમદાવાદમાં જ ચાલી રહી છે, જે હડતાળ રોકવા માટે પ્રોફેસરે દ્વારા થિસિસ પર સહી ન કરી, નાપાસ કરવા તથા સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યા હોવાનો ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ મેડિકલ ડીને પણ ચીમકી આપી છે કે, સવારે 9 વાગે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર હશે અને ફરજ પર હાજર ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનને ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં ડીન અને તબીબી અધિક્ષકોને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્ટાઇપેન્ડ વધારા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઘણી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે, વિવિધ વિભાગના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે છે. અધ્યાપકો દ્વારા સર્જરી ના શીખવવી, થિસિસમાં સહી ના કરવી, પરીક્ષામાં નાપાસ કરવા તેમજ સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.


પત્રમાં વધુમાં આરોપ લગાવ્યો છે કે, આ અધ્યાપકો એ છે કે પોતાની ફરજ નિયમબદ્ધ રીતે બજાવતા નથી. હોસ્પિટલની સંપૂર્ણ કામગીરી માત્ર રેસિડેન્ટ ડોક્ટરો પર નિર્ભર હોય છે. આ અધ્યાપકો પોતે નિયમિત હોસ્પિટલમાં હાજર રહેતા નથી. તેમજ ગેરકાયદેસર રીતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમની પ્રેક્ટિસ પર આ આંદોલનથી અસર પડવાના લીધે વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી રહી છે. આ અધ્યાપકો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.


બીજે મેડિકલ કોલેજના ડીને પણ નોટિસ જાહેર કરી જણાવ્યું છે કે, સ્ટાઈપેન્ડ વધારાના વિરોધ બાબતે રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટર્નને તાત્કાલિક જાણ કરવામાં આવે છે કે, આજે સવારે 9 વાગ્યા સુધી ફરજ પર હાજર નહી થાય, તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત તમામ HODને પણ પત્ર લખીને શીટ આપવામાં આવી છે, જેમાં HODએ હાજર અને હડતાળ પર રહેનાર ડોક્ટરની યાદી જાહેર કરવામાં આવશે.


બી.જે મેડિકલ કોલેજમાં હડતાળ મામલે સોમવારે (2જી સપ્ટેમ્બરે) મેડિકલ કોલેજના ડીને શાહીબાગ પોલીસને જાણ કરી છે. ડોક્ટરોને હડતાળ ના કરવા જાણ કરી છે. સરકારી હોસ્પિટલનો ઉપયોગ સરકારના વિરોધ કરવા કરી શકાય નહીં. જેથી ડોક્ટર દ્વારા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પગલાં લેવા જાણ કરવામાં આવી છે.