રિપોર્ટ@વડોદરા: યુવક આશરો લેવા ગયો ને વૃક્ષ ભાગ્યું, જાણો સમગ્ર બનાવ

વૃક્ષ નીચે યુવકનો આબાદ બચાવ
 
રિપોર્ટ@વડોદરા: યુવક આશરો લેવા ગયો ને વૃક્ષ પાપડની જેમ ભાગ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ઉનાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.  વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાની સાથે પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડું અને વરસાદના કારણે શહેરમાં 88 જેટલા વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયા હતા. આ બનાવોમાં કડાકા સાથે તૂટી પડેલા એક વૃક્ષ નીચે આબાદ બચી ગયેલા યુવાનનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં વૃક્ષ સાથે લહેરાવેલો ભગવો અડીખમ નજર આવ્યો છે. તેમજ વાવાઝોડું, પવન, ધોધમાર વરસાદ અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે કેટલીક જગ્યાએ વીજ વાયરો તૂટી પડવાતા અંધારપટ વિસ્તાર છવાયો હતો.


વાવાઝોડું શરૂ થતાની સાથે જ ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કોલ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. મોડી રાત સુધી ફાયર કંટ્રોલમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના 40 જેટલા કોલ મળ્યા હતા. જે વિસ્તારોમાંથી વૃક્ષો જમીન દોસ્ત થવાના કોલ મળી રહ્યા હતા તે વિસ્તારોમાં તરત જ ફાયર બ્રિગેડની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. વાવાઝોડા સાથે વરસાદ પણ શરૂ થતા લાશ્કરોની કામગીરીમાં વિઘ્ન આવ્યું હતું. જોકે ફાયર બ્રિગેડ દ્વારા વીજ પુરવઠો ખોવાઈ ગયો હોવા છતાં ટોર્ચના અજવાળે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. મુખ્ય માર્ગો પર અડચણ રૂપ બનેલા વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધીમાં વડોદરા ફાયર બ્રિગેડના 9 ફાયર સ્ટેશનના લાશ્કરો પોતાના વિસ્તારોમાં કામે લાગી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આજે સવાર સુધીમાં જમીનદોસ્ત થઈ ગયેલા 88 જેટલા વૃક્ષો દૂર કરવાની કામગીરી કરી હતી.


મોડી સાંજે આવેલા ભારે વાવાઝોડા દરમિયાન અનેક લોકો અટવાયા પડ્યા હતા. જેમાં કારેલીબાગ વિસ્તારમાં એક યુવક વાવાઝોડાથી બચવા માટે વૃક્ષના નીચે આશરો લેવા ઉભો હતો. તે દરમિયાન તે જ વૃક્ષ કડાકા સાથે જમીનદોસ્ત થઈ ગયું હતું. જોકે આ વૃક્ષ નીચે ઉભેલા યુવક ઉપર પડે તે પહેલા યુવાન સલામત રીતે નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મોતને હાથતાળી આપનાર આ યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.


વડોદરામાં વાવાઝોડા, વરસાદ, વૃક્ષો જમીનદોસ્તના બનાવ સાથે અનેક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી પડતા વીજ પુરવઠો કલાકો સુધી ખોવાઈ ગયો હતો. અકોટામાં વાવાઝોડું શરૂ થતાની સાથે જ પુરવઠો ખોવાઈ જતા આસપાસની સોસાયટીઓના લોકોને આખી રાત અંધારામાં પસાર કરવાનો વારો આવ્યો હતો. રોષે ભરાયેલા કેટલાક લોકો સ્થાનિક મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસે ઘસી ગયા અને હોબાળો મચાવ્યો હતો. તેઓ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે કચેરીમાં કોઈના હોવાના કારણે યોગ્ય જવાબ મળ્યો ન હતો. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોવાઈ જવાની ફરિયાદો ઉઠી હતી. ફાયર કંટ્રોલની જેમ મધ્ય ગુજરાત વીજ કંપનીના કંટ્રોલરૂમમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાની વ્યાપક ફરિયાદોના કોલ આવ્યા હતા.


મોડી સાંજે આવેલા વાવાઝોડાને પગલે શહેરના અનેક વિસ્તારોમાં લાગેલા નાના-મોટા હોર્ડિગ્સો જમીનદોસ્ત થઈ ગયા હતા. જોકે આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આજે પણ વરસાદની આગાહી હોવાના કારણે વડોદરા મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા હોર્ડિંગ ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. નોંધનિય બાબત એ છે કે આ કામગીરી પ્રિમોન્સુન કામગીરીમાં આવતી હોવા છતાં પણ પાલિકાનું તંત્ર કામગીરી કરવામાં ઉઘતુ ઝડપાયું છે.


ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે પણ કમોસમી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટેનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે વડોદરા શહેરના રોજિંદા જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી.