દુર્ઘટના@વડોદરા: યુવક ફૂટબોલની જેમ ફંગોળાઈને માત્ર 4 સેકન્ડમાં મોતને ભેટ્યો

જેમાં યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી હવે સામે આવ્યા છે.
 
દુર્ઘટના@વડોદરા: યુવક ફૂટબોલની જેમ ફંગોળાઈને માત્ર 4 જ સેકન્ડમાં મોતને ભેટ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. વડોદરા-વાઘોડિયા રોડ બાઈક ચાલકનો મહિન્દ્રા XUV કાર અને પિકઅપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં પૂરઝડપે જઈ રહેલો યુવક પહેલા મહિન્દ્રા SUV કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાય છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લા અને હાલ વડોદરા જિલ્લાના વાઘોડિયાના લીમડા ખાતે રહેતા પ્રવીણભાઈ ગોબરભાઈ તડવીએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દીકરો મેહુલ છેલ્લા દોઢ વર્ષથી વાઘોડિયા GIDCમાં આવેલા પ્લોટ નં-420માં આવેલ શ્રીજી વે બ્રિજ ઉપર નોકરી કરતો હતો. તેને 6 મહિના પહેલાં TVS કંપનીની રાઇડર બાઈક લીધી હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યે મારો દીકરો મેહુલ અમારા ઘરેથી વાઘોડિયા GIDCમાં તેની બાઈક લઈને નોકરી પર ગયો હતો અને બપોરે 12 વાગ્યે મેં મારા દીકરાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આજે ઘરે જમવાનું બનાવ્યું નથી, જેથી તું હોટલમાંથી જમવાનું લઈ ઘરે આપવા માટે આવજે. તેમ જણાવતાં તેણે કહ્યું હતું કે, હું વાઘોડિયા GIDCમાંથી નીકળું છું અને જમવાનું આપી જાઉં છું.

ત્યાર બાદ બપોરના 12:30 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો, તે વખતે મારા મોબાઇલ પર મારા છોકરાના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને સામે અજાણ્યો માણસ બોલતો હતો. તેણે મને કહ્યું હતું કે, આ મોબાઇલવાળા ભાઈનો એપોલો કંપનીના મેઈન ગેટ સામે એક્સિડન્ટ થયો છે, જેથી તમે આવો. જેથી મેં આ વાતની જાણ મારા શેઠ તુષારભાઈ હર્ષદભાઈ કાશીવાલાને કરી હતી અને અમે બંને જણા અમારા શેઠની ગાડી લઈને એપોલો કંપનીના મેઈન ગેટ પર ગયા હતા અને જઇને જોયું તો વડોદરા-વાઘોડિયા રોડની વચ્ચે મારો દીકરો રોડ પર પડ્યો હતો અને બાજુમાં એપોલો કંપનીના ગેટની સામે મારા છોકરાની બાઈક પણ પડી હતી. અને ત્યાં 108 એમબ્યુલન્સ પણ હાજર હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું.

આ સમયે ત્યાં લોકોનું ટોળું ભેગું થયું હતું. જેથી મેં એક્સિડન્ટ બાબતે ત્યાં હાજર લોકોને પૂછતા મને જાણવા મળ્યું હતું કે, વાઘોડિયા તરફથી એક ફોર વ્હીલર ગાડીનો ચાલક તેની ગાડી ચલાવી લઈને આવ્યો હતો. અને તેણે તેની ગાડી સામેના ટ્રેક પર જવા માટે ધીમી પાડી સાઈડ લાઇટ બતાવ્યા વગર વાળી હતી, તે વખતે તમારો દીકરો તેની બાઈક વાઘોડિયા તરફથી ચલાવીને કારને ઓવરટેક કરવા જતા તેની બાઈક કારના ડ્રાઇવર સાઈડની હેડ લાઇટ પાસે અથડાઇ જાય છે અને બાઈક સાથે ફંગોળાઇ સામેના ટ્રેક તરફ જાય છે. તે વખતે વડોદરા તરફથી એક પિકઅપ વાન આવે છે, તેની સાથે પણ બાઈક અથડાઈ હતી અને ઊછળીને એપોલો કંપનીના ગેટ સામે પડી છે. એક્સિડન્ટ કરનાર મહિન્દ્રા XUVના ચાલક જેન્તીભાઈ વાલજીભાઇ પટેલ ત્યાં હાજર હતા. આ મામલે મેં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.