ગુનો@સુરત: યુવકે તેની બહેન સહિત 2ને લોહીલુહાણ કર્યા અને હાથમાં છરો લઈ લોકોને ડરાવ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. લિંબાયતના રમાબાઈ ચોક વિસ્તારમાં ધોળા દિવસે હાથમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાથમાં છરો લઈ ફરી રહેલા આરોપીએ સમીર નામના યુવાન પર હુમલો કર્યો હતો અને તેને સમજાવવા માટે આવેલી બેન ઉપર પણ હુમલો કર્યો હતો. બંને ઇજાગ્રસ્ત અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વીડિયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરમાં 9 દિવસમાં 7 હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરી દીધા છે. લિંબાયતમાં જ્યારે 19 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી તે જ દિવસે આ જ વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં અસામાજિક તત્વ આતંક મચાવી રહ્યો હતો. આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાથમાં છરો લઈ લોકોને બતાવનાર શબીર નામનો આરોપી છે. જે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે અને બપોરના સમયે હાથમાં છરો લઈને આ વિસ્તારમાં ફરી રહ્યો હતો અને લોકોને ધમકી આપી રહ્યો હતો.
આ આ દરમિયાન સમીર પઠાણ પોતાના મિત્રો સાથે ઉભો હતો, ત્યારે શબીર છરો લઈને ત્યાં આવ્યો હતો. સમીરે તેને જવા માટે કીધું હતું, પરંતુ તેણે સમીર ઉપર હુમલો કરી દેતા તે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી શબીરની બહેન સમાધાન કરવા માટે ત્યાં પહોંચી હતી અને શબીરને સમજાવી રહી હતી ત્યારે શબીરે પોતાની જ બહેન ઉપર પણ હુમલો કર્યો હતો. આરોપીની બહેનના જણાવ્યા મુજબ તે નશો કરે છે અને અવારનવાર આવી રીતે લોકોને ધમકીઓ આપે છે.
આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી શબીરની અટકાયત કરવામાં આવી છે. આરોપીના વીડિયોના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.