બનાવ@સુરત: યુવકે તાપી નદીમાં ઝંપલાવી મોત વહાલું કર્યું, જાણો સમગ્ર બનાવ
ઝઘડો થતા જિંદગી ટૂંકાવવાનું નક્કી કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. સુરતમાંથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવકે નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. સુરતમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આથી બંનેએ જીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યું તો પતિએ બે કાંઠે વહેતી તાપી નદીમાં ઝપલાવી મોતને વહાલું કર્યું છે. પતિનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે પત્ની સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. પતિ-પત્નીના આ ગંભીર પગલાં પાછળ બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે માતા હોસ્પિટલમાં છે.
કહેવત છે કે ઝઘડો વિનાશનું કારણ છે. થોડીક ક્ષણો માટે આવેલો ગુસ્સો ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે અને માણસનો જીવ લઈ લેતો હોય છે અથવા તો સામેવાળા વ્યક્તિનો જીવ લેવા મજબૂર કરી નાખતો હોય છે. ત્યારે સુરતમાં જ આવો જ કંઈક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રૂસ્તમપરા વિસ્તારમાં આવેલ ઈચ્છા દોશીની વાડીમાં જિતેશભાઈ રાણા પોતાના પરિવાર સાથે રહેતા હતા.
ગઈકાલે જિતેશભાઈને પોતાની પત્ની સાથે ઝઘડો થયો હતો. બહાર ફરવા જવાની વાતમાં જ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં જિતેશભાઈની પત્નીએ ઘરમાં જ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જ્યારે જિતેશભાઈએ બે કાંઠે વહેતી તાપી નદીમાં કૂદકો માર્યો હતો. જેમાં જિતેશભાઈનું મોત થયું છે, જ્યારે તેની પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ મામલે મૃતક જિતેશભાઈનાં બહેન નિમિષાબેને જણાવ્યું હતું કે, મારાં ભાઈ-ભાભી અને બંને ભત્રીજીઓ રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલ ઈચ્છા દોશીની વાડીમાં રહે છે. ગઈકાલે ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થયો હતો. બહાર ફરવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ભાભીએ ફિનાઈલ પી લીધું છે જ્યારે ભાઈએ તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. આ ઘટનાની અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ભાભીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં છે. જ્યારે ભાઈને શોધવા તાપી નદી પર પહોંચ્યા ત્યારે શોધખોળ બાદ પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
ફાયર અને પોલીસને જાણ કરી હતી પણ કોઈ પત્તો ન લાગ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે ત્રણ વાગ્યે કાવડયાત્રીઓ ભગવાન શિવના જળાભિષેક માટે તાપી નદીએ પાણી લેવા પહોંચ્યા ત્યારે તેમને મૃતદેહ જેવું દેખાતા ફાયરને અને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે અમને લાશની ઓળખ માટે બોલાવ્યાં હતાં. ત્યારે આ લાશ મારા ભાઈની હોવાનું સામે આવ્યું હતું. લાશની ઓળખ બાદ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં નિમિષાબેને જણાવ્યું હતું કે, મારા ભાઈ છેલ્લા ઘણા સમયથી જરીકામ સાથે સંકળાયેલા છે. હાલ ભાઈનું મોત થતાં મારી બે ભત્રીજીઓ જે એક 15 વર્ષની છે અને એક 12 વર્ષની છે. તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે મારા ભાભી હાલ સારવાર હેઠળ છે. હું તમામ લોકોને વિનંતી કરું છું કે, ઝઘડાઓ થાય તો આટલું મોટું ડિસિઝન ના લેવું જોઈએ કે, જેનાથી પરિવાર આખો વેરવિખેર થઈ જાય.
નિમિષાબેને કહ્યું કે, હું એકની એક બહેન છું અને મારે એકનો એક જ ભાઈ હતો. મારાં માતા-પિતાનું અવસાન ઘણાં વર્ષો પહેલાં થઈ ચૂક્યું છે. આપણે જાણીએ છીએ તેમ 15 દિવસમાં જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે એક બહેને પોતાનો ભાઈ ગુમાવતા કલ્પાંતનાં દૃશ્યો સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યાં હતાં. હાલ તો સલાબતપુરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.