ધાર્મિક@ગુજરાત: શહેરના 3 સ્થળો પર આ વખતે ગણેશજી ચંદ્રયાન-3ની થીમ પર જોવા મળશે.

ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.
 
ધાર્મિક@ગુજરાત: શહેરના 3 સ્થળો પર આ વખતે ગણેશજી ચંદ્રયાન-3ની થીમ પર જોવા મળશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આ વરસે અમદાવાદમાં પૌરાણિક અને અર્વાચીન થીમવાળા ગણેશ પંડાલ જોવા મળશે. અમદાવાદના અમરાઈવાડી, માણેકચોક, દરિયાપુર, ચાંદખેડા, બાપુનગર, નિકોલ, નારણપુરા જેવા અનેક વિસ્તારોમાં ગણેશ પંડાલ જોવા મળશે. જ્યાં શહેરના 3 સ્થળો પર આ વખતે ગણેશજી ચંદ્રયાન-3ની થીમ પર જોવા મળશે.કોલકત્તાના નીલરતન પાલ દ્રારા ચંદ્રયાન-3 પર 3 ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય અલગ અલગ થીમ પર તેમણે 2500 જેટલી મૂર્તિઓ બનાવી છે. તે માટે 6 જેટલાં કારીગરો મે મહિનાથી આવી જાય છે. લગભગ તમામ મૂર્તિઓનો ઓર્ડર બુક થઈ ગયો છે. ઈસનપુર વિસ્તારમાં મંડપ બાંધીને કોલકત્તાના કારીગરો છેલ્લાં 15 વર્ષથી કામ કરે છે.

આ અંગે કોલકત્તાથી ગુજરાત આવેલાં નિલરતન પાલના કહેવા પ્રમાણે, તેઓ છેલ્લાં 15 વર્ષથી અમદાવાદ આવે છે અને આ દિવસોમાં સૌથી વધુ ડિમાન્ડ ગણેશની યુનિક મૂર્તિ બનાવવાની હોય છે. તેઓ જ્યારે આ વખતે આવ્યા ત્યારથી અમદાવાદના ચાંદખેડા, માણેકચોક અને અમરાઈવાડી વિસ્તારમાંથી ચંદ્રયાન-3ની સફળતાના થીમ પર ગણપતિ બનાવવાનો ઓર્ડર તેમને મળ્યો હતો. તેમણે 5 ફૂટના ગણેશજી ચંદ્રયાન 3 પર બનાવ્યા છે.

કોલકત્તાના નિલરતન પાલ કોણ છે? - અમદાવાદમાં વર્ષોથી આવતાં નિલરતન પાલ દરવર્ષે 6 જેટલાં કારીગરો લઈને આવે છે અને શહેરના દરેક ખૂણામાંથી મૂર્તિઓ બનાવવાનો ઓર્ડર લે છે. માત્ર અમદાવાદ પૂરતું તેમનું કામ સિમિત નથી. ખંભાતમાંથી પણ ઘણાં લોકો તેમને ઓર્ડર આપતા હોય છે. ત્યારે આ વર્ષે ખંભાતમાં ગણેશ પંડાલ માટે તેમણે 9 ફૂટની સૌથી મોટી મૂર્તિ બનાવી છે.


અમદાવાદ આવેલા નિલરતન પાલ વાંસ, ઘાસ અને નાળિયેરના કૂચડામાંથી ગણેશની મૂર્તિ બનાવવાની કળા ધરાવે છે. આ વર્ષે તેમણે સૌથી ઊંચી 9 ફૂટની અને સૌથી નાની દોઢ ફૂટની મૂર્તિ બનાવી છે. ગયા વર્ષે માટીમાંથી તેમણે 15 ફૂટની મૂર્તિ બનાવી હતી. ઘણાં કારીગરો એવી ફરિયાદ કરતા હોય છે કે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી અથવા તો માટીમાંથી મૂર્તિ બનાવી હોય તો ખૂબ જ મોટું જોખમ હોય છે. મૂર્તિની તૂટવાની સંભાવના વધારે હોય છે ત્યારે નિલરતન પાલની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની કળાને કારણે અનેક વેપારીઓ તેમની પાસે મૂર્તિ ખરીદવા આવે છે.