વરસાદ@ઊંઝા: સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ
ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં રાત્રિ દરમિયાન ઊંઝામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઊંઝા અંડરબ્રિજ છલોછલ ભરાઈ જવા પામ્યો હતો. જેને લઈ વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. ઊંઝામાં રાતે 8થી 10 વાગ્યા સુધી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વહેલી સવાર સુધી 83 એમએમ એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતું.
શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઊંઝા પંથકમાં વરસાદને લઈ જન્માષ્ટમી નિમિત્તે રાખેલી મટકી ફોડનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તહેવાર ટાણે વરસાદને લઈ લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઊંઝા પંથકમાં બરાબર વરસાદી માહોલ જામ્યો હોવાને લઇ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.