બનાવ@વડોદરા: વૃદ્ધે બિમારીથી કંટાળીને મકાનની બાલ્કનીમાં નાયલોનની દોરીથી ફાંસો ખાઇ આપઘાત કર્યો

વિસ્તારમાં ચકચાર
 
બનાવ@વડોદરા: વૃદ્ધે બિમારીથી કંટાળીને મકાનની બાલ્કનીમાં નાયલોનની દોરીથી ફાંસો ખાઇ આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસેના એક ફ્લેટમાં રહેતા વૃદ્ધે બિમારીથી કંટાળીને મકાનની બાલ્કનીમાં નાયલોનની દોરીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ફ્લેટ પાસેથી પસાર થતાં રાહદારીઓની નજર પડતાં ઘટનાની જાણ થઇ હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.


પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે પરિવાર ચાર રસ્તા પાસે દિવ્ય કૃપા ફ્લેટ આવેલો છે. આ ફ્લેટના 58 વર્ષિય મુકેશભાઈ રાજપૂત પરિવાર સાથે રહેતા હતા. તેઓએ કોઇક કારણસર પોતાના મકાનની બાલ્કનીમાં નાયલોનની દોરી લટકાવી ફાંસો ખાઇ લીધો હતો.


બિલ્ડીંગ પાસેથી પસાર થઇ રહેલા રાહદારીઓની નજર ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહેલા આધેડ ઉપર પડતાં ફ્લેટના લોકોને જાણ કરી હતી. ફ્લેટના લોકોને જાણ થતાં જ ટોળા એકઠાં થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ કપુરાઇ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશને ઉતારવા માટે કાર્યવાહી કરી હતી.


પોલીસે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહેલા મૃતદેહને ઉતારવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર આવી પહોંચ્યા હતા. નાયલોનની દોરી કાપી મૃતદેહ ઉતાર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.


કપુરાઇ પોલીસની પ્રાથમિક તપાસમાં ફાંસો ખાઇ આપઘાત કરનાર મુકેશભાઈ રાજપૂત છેલ્લા કેટલાંક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતા. બિમારીથી ત્રાસીને તેઓએ ફાંસો ખાઇ જિંદગીથી છૂટકારો મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું. કપુરાઇ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.