બનાવ@ઊંઝા: યુવકના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
અટલ સમાચાર ડોટ ક્કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામની બે સંતાનોની માતાએ સંબંધ રાખવા દબાણ કરતા યુવકના માનસિક ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ફેનીલ નામના શખ્સ સામે દુષ્પ્રેરણની ફરિયાદ ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે મૃતકના મોબાઈલમાંથી લીધેલા સ્ક્રીનશોટ, મોબાઈલ કોલની વિગતો તથા કોલ રેકોર્ડિંગ આધારે તપાસ હાથ ધરી છે.
પ્રતાપગઢ ગામે રહેતી અને મહેસાણા યુજીવીસીએલમાં નોકરી કરતી 15 અને 12 વર્ષના બે સંતાનોની માતાને મોબાઇલ ઉપર ફેનિલ નામનો યુવાન અવાર-નવાર ફોન કરી સંબંધ રાખવા માંગણી કરતો હતો. તેણીની ઇચ્છા ન હોવા છતાં અવારનવાર હેરાન કરતા આ યુવાનનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. જેથી આ યુવાને બીજા નંબરથી તેણીને ફોન કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને સમાજમાં બદનામ થવાના ડરથી પોતાના ઘરના બીજા માળે ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પરિણીતાના બેસણાના દિવસે કૌટુંબિક ભાણા મારફતે જાણવા મળેલું કે, મૃતકને હોસ્પિટલ લઈ જતાં સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વારંવાર ફોન આવતાં હતા અને ફોન ઉપાડતાં કોઈ જવાબ આપતો ન હતો. મોબાઇલ ચેક કરતાં ફેનિલ નામના યુવાનના વીડિયોકોલ અને ફૉન આવેલા હતા. જેથી મૃતકના પિતાએ તેમની દીકરીને અવાર નવાર ફૉન કરી કોઈ સંબંધ રાખવા માગતી ન હોવા છતાં હેરાન પરેશાન કરી સમાજમાં બદનામીના ડરથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 306 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.