વેપાર@ગુજરાત: સોનાનો ભાવ 1.30 લાખ અને ચાંદી 1.80 લાખ, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ચાલુ વર્ષે તો વૈશ્વિક જિયો પોલિટિકલ ઈશ્યુ, ટ્રેડવોર અને ફેડરેટ કટના અહેવાલથી બુલિયન માર્કેટમાં તેજીના કારણે સોનુ ચાંદી ખરીદનાર ઇન્વેસ્ટરોને ખુશ ખુશાલ કરી દીધા છે. દિવાળી તહેવાર આવતા સોનુ ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટી પર રોકેટ બની ગયા છે, જેમાં ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025ના માત્ર 10 જ મહિનાની અંદર સોનાના ભાવમાં એક તોલાએ રૂપિયા 51,000 અને ચાંદીમાં પ્રતિ એક કિલોએ રૂપિયા 89,000નો તોતિંગ વધારો જોવા મળ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવાર પર ખાસ કરીને પુષ્ય નક્ષત્ર તેમજ ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે દિવાળી પહેલા સોનુ અને ચાંદી બન્ને રોકેટ બની ગયું છે. કારણ કે રોકેટની ગતિએ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સોના ચાંદીના ભાવ દિવાળી તહેવાર પર ઓલ ટાઈમ હાઈ સ્થિતિએ જોવા મળી રહ્યા છે. તેમાં દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે તો સોનામાં ઓલમોસ્ટ 50% જેટલો વધારો ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીમાં આ ભાવ વધારો 70થી 75% સુધી પહોંચી ગયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 1.30 લાખ સુધી પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ 1.80 લાખ પહોંચી ગયો છે.
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સોનીએ જણાવ્યું હતું કે, સોનું અને ચાંદી બન્નેએ ગ્રાહકને નિરાશ નથી કર્યા ખુબ સારું વળતર આપ્યું છે. સોનામાં 55%થી વધુ અને ચાંદીમાં 75% જેટલું વળતર માત્ર એક જ વર્ષમાં આપ્યું છે. ચાંદીમાં ડિમાન્ડ ખુબ વધી છે. ચાંદીમાં રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત અને આખાએ દેશમાં ચાંદીની ડિમાન્ડ સામે સપ્લાયમાં વેપારીઓ પહોંચી નથી શકતા આવી પરિસ્થિતિ ઉદભવી છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઈશ્યુ, ટ્રેડવોર અને ફેડના વ્યાજદર કટ થવાની શક્યતા છે. આ બધા પરિબળો સોના ચાંદીને પ્રોત્સાહિત આપે છે. ડોલરની સામે દરેક દેશની સેન્ટ્રલ બેન્ક સોનું-ચાંદી ખરીદ કરી રહ્યા છે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.